નવી દિલ્હી, 16 નવેમ્બર 2026: સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે દોષિતોને જામીન મંજૂર કર્યા છે. અદાલતે બંનેની સજા પર રોક લગાવતા નોંધ્યું હતું કે તેઓ 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. આ ઉપરાંત, બેન્ચે એ હકીકત પર પણ ધ્યાન આપ્યું હતું કે આમાંથી એક દોષિત ગંભીર રીતે દિવ્યાંગ છે. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની ખંડપીઠે 28 ઓક્ટોબરે બંને દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. બંને દોષિતોએ બોમ્બે હાઈકોર્ટના વર્ષ ૨૦૧૭ના તે ચુકાદાને પડકાર્યો છે, જેમાં તેમની દોષસિદ્ધિ અને આજીવન કેદની સજાને યથાવત્ રાખવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું કે બંને અપીલકર્તાઓ 17 વર્ષથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને તેમાંથી એક ગંભીર દિવ્યાંગતા ધરાવે છે. અદાલતે માન્યું કે આ અપીલમાં તથ્યો અને કાયદા બંને સાથે જોડાયેલા એવા મુદ્દાઓ છે જેના પર સુનાવણી અને નિર્ણય લેવાનો હજુ બાકી છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, “પક્ષકારોને સાંભળ્યા બાદ એટલું કહેવું પૂરતું છે કે અપીલકર્તાઓ 17 વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને તેમાંથી એક ગંભીર રીતે દિવ્યાંગ છે. ચોક્કસપણે અપીલમાં તથ્યો અને કાયદા બંનેના આધારે નિર્ણય કરવા યોગ્ય મુદ્દાઓ રહેલા છે.” આ સંજોગોને ધ્યાનમાં રાખીને અદાલતે બંને દોષિતોની સજા સ્થગિત કરી દીધી છે અને સંબંધિત ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવનાર શરતોને આધીન તેમને જામીન આપવાનો આદેશ કર્યો છે. બંનેની મુખ્ય અપીલ પર આગળની સુનાવણી નિયમાનુસાર ચાલુ રહેશે.
જામીન અરજીનો સખત વિરોધ
સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ રાજા ઠાકરેએ બંને દોષિતોની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે નીચલી અદાલતોએ રેકોર્ડ પરના તમામ પુરાવાઓ અને તથ્યો પર વિચાર કર્યા બાદ જ ચુકાદો આપ્યો હતો, તેથી ગુનાની ગંભીરતાને જોતા જામીન ન આપવા જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટે લાંબા જેલવાસ અને દિવ્યાંગતાના પાસાને પ્રાધાન્ય આપી રાહત આપી હતી. આ કેસ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર સાથે જોડાયેલો છે. ટ્રાયલ કોર્ટે બંને દોષિતોને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. અદાલતે તેમને દંડની સાથે સખત આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ 4 મે, 2017 ના રોજ બોમ્બે હાઈકોર્ટે પણ 11 દોષિતોની સજાને બહાલી આપી હતી.
ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ, 2022 ના રોજ ગુજરાત સરકારે સજા માફીની નીતિ હેઠળ આ કેસના 11 દોષિતોને જેલમુક્ત કર્યા હતા. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરી, 2024 ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કરતા સ્પષ્ટ કર્યું હતું કે આ કેસની ટ્રાયલ મહારાષ્ટ્રમાં ચાલી હતી અને ત્યાં જ સજા સંભળાવવામાં આવી હતી, તેથી સજામાં માફી આપવાનો અધિકાર ગુજરાત સરકાર પાસે નથી. ત્યારબાદ તમામ દોષિતોએ સરેન્ડર કર્યું હતું.








