નવી દિલ્હી, 17 નવેમ્બર 2026: ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પરથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) એ મંગળવારે સીમા સુરક્ષા દળ (BSF) ના એક જવાનની અટકાયત કરી છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ જવાન અજાણતા સરહદ પાર કરીને બાંગ્લાદેશની સીમામાં પ્રવેશી ગયો હતો. હાલ જવાનને સુરક્ષિત ભારત પરત લાવવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે.
અહેવાલ મુજબ, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બીએસએફનો જવાન ભૂલથી બાંગ્લાદેશના વિસ્તારમાં ચાલ્યો ગયો હતો, જ્યાં સિલહટના બિચાનાકાંડી વિસ્તારમાં તેની અટકાયત કરવામાં આવી હતી. જવાનને પરત લાવવા માટે બંને દેશોના સુરક્ષા દળો વચ્ચે ‘ફ્લેગ મીટિંગ’ યોજવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે બીએસએફ દેશના પૂર્વ ભાગમાં 4096 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરે છે.
બાંગ્લાદેશી અખબાર ‘ઢાકા ટ્રિબ્યુન’ના અહેવાલ અનુસાર, મંગળવારે બપોરે લગભગ 12.30 વાગ્યે બીએસએફનો એક જવાન ગોવાઇનઘાટ ઉપજિલ્લાના બિચાનાકાંડી વિસ્તારમાં આશરે 200 ગજ અંદર બાંગ્લાદેશની સીમામાં આવી ગયો હતો. તે સમયે સિલહટ બટાલિયન (48 બીજીબી) હેઠળ આવતી બિચાનાકાંડી બોર્ડર આઉટપોસ્ટ (BOP) ની પેટ્રોલિંગ ટીમે તેને જોતા જ અટકાયત કરી હતી અને આઉટપોસ્ટ પર લઈ ગઈ હતી. બંને દેશોના અધિકારીઓ વચ્ચે વાતચીત બાદ ટૂંક સમયમાં જવાનને મુક્ત કરવામાં આવશે.








