Homeગુજરાતીદેશ-વિદેશબાંગ્લાદેશઃ વેતન વધારાની માંગ સાથે ગારમેન્ટ કામદારોનું પ્રદર્શન: 39 ફેક્ટરીઓ બંધ

બાંગ્લાદેશઃ વેતન વધારાની માંગ સાથે ગારમેન્ટ કામદારોનું પ્રદર્શન: 39 ફેક્ટરીઓ બંધ

ઢાકા, 18 નવેમ્બર 2026: બાંગ્લાદેશના ગાઝીપુર જિલ્લામાં વધુ વેતન અને ભથ્થાની માંગને લઈને કપડા ઉદ્યોગ (ટેક્સટાઇલ)ના મજૂરોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. બુધવારે સવારે મજૂરોએ વ્યસ્ત એવા ઢાકા-મયમનસિંહ હાઇવે પર ચક્કાજામ કરતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. સ્થિતિની ગંભીરતાને જોતાં સ્થાનિક પ્રશાસન અને ફેક્ટરી સંચાલકોએ સુરક્ષાના ભાગરૂપે ૩૯ ફેક્ટરીઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી છે.

બાંગ્લાદેશના અગ્રણી અખબારના અહેવાલ મુજબ, બુધવારે સવારે સ્થાનિક સમય અનુસાર 9.45 વાગ્યે ગાઝીપુર શહેરના છાયદાના વિસ્તારમાં આવેલી વિવિધ ગારમેન્ટ ફેક્ટરીઓના મજૂરોએ છાયદાના અને હરિકેન રોડ પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ ઉપરાંત, બાગેર બજાર સ્થિત ‘ગોલ્ડન રિફિટ ગારમેન્ટ્સ’, શ્રીપુરના નોતુન બજાર વિસ્તારની ‘એસએમ નિત વેર’ અને ભવાનીપુરની ‘ફકીરા ગારમેન્ટ્સ’ના મજૂરોએ કામકાજ ઠપ કરી ફેક્ટરી પરિસરમાં શાંતિપૂર્ણ ધરણાં પ્રદર્શન કર્યા હતા. કોનાબાડી વિસ્તારની અન્ય બે ફેક્ટરીઓના મજૂરો પણ આ વિરોધમાં જોડાયા હતા.

  • હિંસા અને ઘર્ષણ બાદ તંત્ર દ્વારા કડક પગલાં

ગાઝીપુર ઔદ્યોગિક ક્ષેત્રના પોલીસ અધિક્ષક અમજદ હુસૈને જણાવ્યું હતું કે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. મંગળવારની પરિસ્થિતિની સમીક્ષા બાદ બુધવારે 10 ફેક્ટરીઓમાં રજા જાહેર કરવામાં આવી હતી, જ્યારે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કુલ 39 ફેક્ટરીઓને અનિશ્ચિત મુદત માટે બંધ રાખવાનો આદેશ અપાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે ગાઝીપુરના ચાંદના ચૌરાસ્તા, જરુન, નાઓજોર, કોનાબાડી, કાશીપુર, ભોઘરા અને અપાદા સહિતના વિસ્તારોમાં મજૂરોનું પ્રદર્શન હિંસક બન્યું હતું. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો અને સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસ તથા સાઉન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ હિંસામાં પોલીસકર્મીઓ, મજૂરો અને પત્રકારો સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. અશાંતિને આગળ વધતી અટકાવવા માટે મંગળવારે જ તંત્રએ 70 ફેક્ટરીઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

આ આંદોલનની શરૂઆત સોમવારે કોનાબાડી વિસ્તારમાંથી થઈ હતી, જ્યાં એબીએમ ફેશન અને જમુના ફેક્ટરીના મજૂરોએ પોતાના કાર્યસ્થળ બહાર એકઠા થઈને કોનાબાડી-કાશીપુર રોડ બ્લોક કરી દીધો હતો. મામલો તણાવપૂર્ણ બનતા બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) અને પોલીસના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મજૂરો રસ્તો ખાલી કરવા તૈયાર ન થતા પોલીસે બળપ્રયોગ કરી ટીયર ગેસ અને સાઉન્ડ ગ્રેનેડ છોડીને ભીડને દૂર કરી હતી, ત્યારબાદ સ્થિતિ કાબૂમાં આવી હતી. હાલ ઔદ્યોગિક વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષાદળોનો જમાવડો છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img