નવી દિલ્હી, 19 નવેમ્બર 2026: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે 18 નવેમ્બર 2026ના રોજ રોમમાં ઇટાલીના પ્રધાનમંત્રી અને વિદેશ તથા આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી મહામહિમએન્ટોનિયો તાજાની સાથે ભારત–ઇટાલી સંયુક્ત આર્થિક સહયોગ આયોગ (JCEC) ના 23મા સત્રની સહ-અધ્યક્ષતા કરી હતી. મંત્રીઓએ દ્વિપક્ષીય આર્થિક અને વાણિજ્યિક સહયોગની પ્રગતિની સમીક્ષા કરી હતી અને વેપાર, રોકાણ તથા ઔદ્યોગિક ભાગીદારીને વિસ્તૃત કરવાના પગલાં અંગે ચર્ચા કરી હતી. તેમણે સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025–2029 અને મે 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇટાલી મુલાકાતના પરિણામોના આધારે ભારત–ઇટાલી વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ચર્ચાઓમાં ઓટોમોટિવ અને એરોસ્પેસ, ઇન્ડસ્ટ્રી 4.0, કૃષિ અને કૃષિ-ટેકનોલોજી, કનેક્ટિવિટી અને ઊર્જા, મહત્વપૂર્ણ ખનિજો, વિજ્ઞાન અને નવીનતા, સંસ્કૃતિ અને પર્યટન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતામાં સહયોગને આવરી લેવામાં આવ્યો હતો. બંને પક્ષોએ ભારતની વધતી જતી ઉત્પાદન ક્ષમતાઓ અને કુશળ કાર્યબળ તથા અદ્યતન ઉત્પાદન, એન્જિનિયરિંગ, મશીનરી અને ટેકનોલોજીમાં ઇટાલીની મજબૂતાઈ વચ્ચેની પૂરકતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વધુ ઉદ્યોગ ભાગીદારી, સંયુક્ત સાહસો, ટેકનોલોજી ભાગીદારી અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં એકીકરણને પ્રોત્સાહન આપ્યું હતું. મંત્રીઓએ ભારત–EU મુક્ત વેપાર કરાર પરની વાટાઘાટોના સફળ સમાપનને પણ આવકાર્યું હતું અને બજાર પહોંચ વધારવા, વેપાર અને રોકાણ પ્રવાહ વધારવા તથા સપ્લાય ચેઇનને મજબૂત કરવાની તેની સંભવિતતા અંગે ચર્ચા કરી હતી. આ સંદર્ભમાં તેમણે 2029 સુધીમાં €20 બિલિયનનો દ્વિપક્ષીય વેપાર હાંસલ કરવાના સહિયારા લક્ષ્યાંકનો પુનરોચ્ચાર કર્યો હતો અને વેપારમાં વૈવિધ્ય લાવવા તથા રોકાણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
-
પિયુષ ગોયલે બેઠક યોજી
તેમની મુલાકાત દરમિયાન,પિયુષ ગોયલે 17 નવેમ્બર 2026ના રોજ વોલ્ટર ટોસ્ટો એસ.પી.એ., નોર્ડિમ્પિયાન્ટી સિસ્ટમ, એટીટેક, મગાલ્ડી ગ્રુપ અને બ્રાકો ગ્રુપ સહિત અગ્રણી ઇટાલિયન કંપનીઓના CEO અને વરિષ્ઠ નેતાઓ સાથે વન-ટુ-વન બેઠકો પણ યોજી હતી. આ ચર્ચાઓ ભારતમાં રોકાણ, ઉત્પાદન અને ટેકનોલોજી ભાગીદારીની તકો પર કેન્દ્રિત હતી. મંત્રીએ રોમમાં ભારત–ઇટાલી બિઝનેસ એન્ડ ઇનોવેશન ફોરમને પણ સંબોધિત કર્યું હતું, જેમાં વરિષ્ઠ સરકારી નેતાઓ, ઉદ્યોગ સંગઠનો અને ઇટાલિયન કંપનીઓની સાથે 12 સ્ટાર્ટઅપ્સ સહિત અંદાજે 80 ભારતીય વ્યાપારી પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. ફોરમ પૂર્વે,ગોયલે ભારતીય વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે ઇટાલી અને વ્યાપક યુરોપિયન બજારમાં ભારતીય વ્યવસાયો માટેની તકો, જેમાં ભારત–EU મુક્ત વેપાર કરારથી ઉદ્ભવતી તકોનો પણ સમાવેશ થાય છે, તે અંગે સંવાદ કર્યો હતો. બંને અર્થતંત્રોની પૂરક શક્તિઓમાંથી ઉદ્ભવતી તકો શોધવા માટે ફોરમના ભાગરૂપે ત્રણ ક્ષેત્રીય રાઉન્ડટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ રાઉન્ડટેબલમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદન, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, બાયોટેકનોલોજી અને સંયુક્ત સંશોધન તથા વિકાસમાં ભાગીદારીની તકોની ઓળખ કરવામાં આવી હતી. ઔદ્યોગિક મશીનરી અને કૃષિ-ખાદ્ય રાઉન્ડટેબલમાં ઓટોમેશન, ટેકનોલોજી ટ્રાન્સફર, ફૂડ-પ્રોસેસિંગ મશીનરી, કોલ્ડ-ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પેકેજિંગમાં રહેલી તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય લણણી પછીના નુકસાનને ઘટાડવાનો અને મૂલ્યવર્ધન વધારવાનો છે. ઓટોમોટિવ રાઉન્ડટેબલમાં ઇલેક્ટ્રિક અને નેક્સ્ટ-જનરેશન મોબિલિટી, કમ્પોનન્ટ્સ, સંશોધન અને નવીનતા તથા ટકાઉ ઉત્પાદનમાં સહયોગની તકો ચકાસવામાં આવી હતી. તમામ રાઉન્ડટેબલમાં, સહભાગીઓએ ચર્ચાઓને નક્કર વ્યાપારી પરિણામોમાં રૂપાંતરિત કરવાના મુખ્ય માધ્યમો તરીકે સંયુક્ત સાહસો, રોકાણ ભાગીદારી અને ટેકનોલોજી શેરિંગ પર ભાર મૂક્યો હતો.
-
પિયુષ ગોયલે સમગ્ર ફોરમમાં ભાગ લીધો
ઇનોવેશન ફોરમનું ઉદ્ઘાટન ઇટાલીના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રાલયના વિકાસ અને નિકાસ પ્રોત્સાહન મહાનિદેશકમૌરો બટ્ટોચી અને ઇટાલીમાં ભારતના રાજદૂત સુશ્રી વાણી રાવ દ્વારા કરવામાં આવ્યું હતું.પિયુષ ગોયલે સમગ્ર ફોરમમાં ભાગ લીધો હતો અને ભારતીય તથા ઇટાલિયન પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો, જેમાં બંને પક્ષોને ટકાઉપણું અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ અને સમન્વયના માર્ગો શોધવા તથા બંને ઇનોવેશન ઇકોસિસ્ટમની પૂરક શક્તિઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્લેનરી સત્રમાં, વ્યાપારી સંગઠનોએ બિઝનેસ ફોરમના પરિણામો રજૂ કર્યા હતા ત્યારબાદ મહામહિમએન્ટોનિયો તાજાની અને પિયુષ ગોયલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. આ સત્રોએ બંને અર્થતંત્રો વચ્ચેની મજબૂત પૂરકતાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને તેમની આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની ભારત અને ઇટાલીની સહિયારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી.
મહામહિમએન્ટોનિયો તાજાની સાથેની તેમની દ્વિપક્ષીય બેઠક દરમિયાન, બંને મંત્રીઓએ દ્વિપક્ષીય આર્થિક અને વાણિજ્યિક સંબંધોના સમગ્ર પરિપ્રેક્ષ્યની સમીક્ષા કરી હતી અને વેપાર, રોકાણ તથા ઔદ્યોગિક સહયોગને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી. તેમણે સતત જોડાણ અને ગાઢ વ્યાપારી ભાગીદારી દ્વારા બંને પ્રધાનમંત્રીઓના વિઝનને નક્કર પરિણામોમાં રૂપાંતરિત કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ મુલાકાતે ભારત–ઇટાલી વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ પ્રદાન કરી છે અને દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને વ્યાપારી સહયોગને વિસ્તૃત કરવાની સહિયારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.








