શિયાળાની ઋતુ શરૂ થતા જ બજારમાં તાજા શક્કરિયાની ભરપૂર આવક શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે લોકો શક્કરિયાને શેકીને, બાફીને કે તેની ચાટ બનાવીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે આ શિયાળે કંઈક નવું અને સ્વાદિષ્ટ બનાવવા માંગતા હોવ, તો શક્કરિયાનો હલવો એક ઉત્તમ વિકલ્પ છે. સ્વાદમાં હળવો મીઠો અને બનાવવામાં અત્યંત સરળ એવો આ હલવો ઘરે કેવી રીતે તૈયાર કરવો તેની સંપૂર્ણ રેસીપી અહીં આપવામાં આવી છે.
જરૂરી સામગ્રી
-
500 ગ્રામ શક્કરિયા
-
3થી 4 ચમચી દેશી ઘી
-
અડધો કપ દૂધ
-
અડધો કપ ખાંડ (સ્વાદ અનુસાર)
-
અડધી નાની ચમચી એલચી પાવડર
-
8થી 10 કાજુ
-
8થી 10 બદામ
-
થોડી કિસમિસ (દ્રાક્ષ)
શક્કરિયાનો હલવો બનાવવાની રીત
સૌપ્રથમ શક્કરિયાને પાણીથી બરાબર ધોઈ લો, જેથી તેના પર ચોંટેલી માટી સંપૂર્ણપણે સાફ થઈ જાય. ત્યારબાદ તેને કુકરમાં મૂકી જરૂર મુજબ પાણી ઉમેરો અને 2થી 3 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. શક્કરિયાના કદ મુજબ બફાવાના સમયમાં થોડો ફેરફાર થઈ શકે છે. બફાઈ ગયા બાદ તેને ઠંડા પડવા દો, છાલ ઉતારો અને સારી રીતે મેશ કરી લો. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં કોઈ મોટા ટુકડા ન રહી જાય. હવે એક કડાઈમાં દેશી ઘી ગરમ કરો. તેમાં સમારેલા કાજુ અને બદામ નાખી હળવા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળી લો અને એક પ્લેટમાં અલગ કાઢી લો. આ જ કડાઈમાં મેશ કરેલા શક્કરિયા ઉમેરો અને ધીમીથી મધ્યમ આંચ પર સતત હલાવતા રહીને શેકો. જ્યારે શક્કરિયાની કચાશ દૂર થવા લાગે ત્યારે તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો. થોડીવાર પકવ્યા બાદ તેમાં ખાંડ નાખો અને સતત હલાવતા રહો. ખાંડ ઓગળવાને કારણે મિશ્રણ થોડું પાતળું થઈ શકે છે, તેથી જ્યાં સુધી હલવો ફરીથી ઘટ્ટ ન થાય ત્યાં સુધી તેને ધીમા તાપે પકવતા રહો. છેલ્લે તેમાં એલચી પાવડર, ઘીમાં શેકેલા કાજુ-બદામ અને કિસમિસ નાખી સારી રીતે ભેળવી દો. જ્યારે હલવો કડાઈની કિનારી છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.
ગરમાગરમ પીરસવાની રીત: તૈયાર થયેલા શક્કરિયાના હલવાને એક બાઉલમાં કાઢો અને ઉપરથી થોડી સમારેલી બદામ તથા કાજુ ભભરાવીને ગાર્નિશ કરો. શિયાળાની સાંજે ચા સાથે અથવા જમ્યા બાદ મીઠાઈ તરીકે આ ગરમાગરમ હલવો ખાવાની ખૂબ જ મજા આવે છે.








