Homeગુજરાતીદેશ-વિદેશઅનાજ ઉત્પાદનમાં ભારતનો નવો રેકોર્ડ: 2025-26માં 3,785 લાખ ટન પેદાશ

અનાજ ઉત્પાદનમાં ભારતનો નવો રેકોર્ડ: 2025-26માં 3,785 લાખ ટન પેદાશ

નવી દિલ્હી, 26 નવેમ્બર 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે વર્ષ 2025-26ના મુખ્ય કૃષિ પાકોના અંતિમ ઉત્પાદન અંદાજો અને વર્ષ 2026-27ની ખરીફ સિઝનના પ્રથમ આગોતરા અંદાજ જાહેર કરીને દેશના કૃષિ ક્ષેત્રની ઐતિહાસિક સિદ્ધિઓ રજૂ કરી હતી. દિલ્હી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂતોના અથાક પરિશ્રમ અને સરકારની નીતિઓના પરિણામે ભારત આજે ચોખા, કઠોળ, શણ, મિલેટ્સ અને મસાલાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. વર્ષ 2025-26માં દેશે 3,785.38 લાખ ટન ખાદ્યાન્ન ઉત્પાદનનો સર્વકાલીન રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે અલ નીનો અને ચોમાસાના વિલંબ જેવા ગંભીર હવામાન પડકારો છતાં ખરીફ 2026-27માં 1,671.43 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન પેદાશનો અંદાજ છે, જે છેલ્લા પાંચ વર્ષની સરેરાશ કરતાં 97.67 લાખ ટન વધુ છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આજે ભારત માત્ર પોતાની ઘરેલુ ખાદ્ય જરૂરિયાતો જ પૂરી નથી કરી રહ્યું, પરંતુ વિશ્વના અન્ન ભંડારમાં પણ મોટું યોગદાન આપી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ભારત ઘઉં, કપાસ, મગફળી અને ફળ-શાકભાજીના ઉત્પાદનમાં ચીન પછી તથા શેરડીના ઉત્પાદનમાં બ્રાઝિલ પછી બીજા ક્રમે છે. તેમણે ઉત્સાહપૂર્વક ઉમેર્યું કે, “આપણી પાસે ચોખા અને ઘઉંનો પૂરતો ભંડાર છે. આજે વિશ્વમાં ભારતીય ચોખાની બોલબાલા છે અને તેની નિકાસમાં 5 ટકાનો વધારો નોંધાયો છે. અમેરિકા, કેનેડા અને મિડલ ઈસ્ટ સહિત દુનિયાના ખૂણેખૂણે ભારતીય બાસમતીની સુગંધ ફેલાઈ રહી છે.” ચોખા અને ઘઉંમાં સરપ્લસ સ્થિતિ મેળવ્યા બાદ હવે સરકારનું સંપૂર્ણ ધ્યાન પાક વૈવિધ્યકરણ તેમજ ‘દલહન મિશન’ અને ‘તિલહન મિશન’ થકી કઠોળ અને તેલીબિયાંમાં દેશને આત્મનિર્ભર બનાવવા પર છે.

વર્ષ 2025-26ના અંતિમ ઉત્પાદન અંદાજો

વર્ષ 2025-26માં કુલ ખાદ્યાન્ન ઉત્પાદન 3,785.38 લાખ ટન રહ્યું છે, જે 2024-25ના 3,577.32 લાખ ટન કરતાં 208.06 લાખ ટન વધુ છે. કુલ ચોખા ઉત્પાદન 49.70 લાખ ટન વધીને રેકોર્ડ 1,551.54 લાખ ટન પર પહોંચ્યું છે. જ્યારે ઘઉંનું ઉત્પાદન 41.19 લાખ ટન વધીને 1,220.64 લાખ ટનના ઐતિહાસિક સ્તરે રહ્યું છે. મકાઈનું ઉત્પાદન 434.09 લાખ ટનથી ઉછળીને 550.25 લાખ ટન થયું છે. પોષક/જાડા ધાન્યનું કુલ ઉત્પાદન 740.80 લાખ ટન રહ્યું, જેમાં ‘શ્રી અન્ન’નો હિસ્સો 172.09 લાખ ટન છે. કુલ કઠોળ ઉત્પાદન 272.40 લાખ ટન રહ્યું, જેમાં મગ (43.96 લાખ ટન) એ નવો રેકોર્ડ બનાવ્યો, જ્યારે ચણા 125.13 લાખ ટન અને તુવેર 35.99 લાખ ટન નોંધાયા. કુલ તેલીબિયાં ઉત્પાદન રેકોર્ડ 432.55 લાખ ટન રહ્યું, જેમાં મગફળી 131.71 લાખ ટન અને રાયડો-સરસવ 137.66 લાખ ટનના રેકોર્ડ સ્તરે પહોંચ્યા, જ્યારે સોયાબીન 126.36 લાખ ટન રહ્યું. રોકડિયા પાકોમાં શેરડી 5,037.29 લાખ ટન, કપાસ 280.06 લાખ ગાંસડી (દરેક 170 કિગ્રા) તથા જૂટ-મેસ્તા 94.28 લાખ ગાંસડી (દરેક 180 કિગ્રા) નોંધાયા.

ખરીફ 2026-27ના પ્રથમ આગોતરા અંદાજો

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે અલ નીનોની વાપસી, જૂનમાં ચોમાસાનો વિલંબ (35% થી 40% ઓછો વરસાદ) અને મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા તથા આંધ્રપ્રદેશમાં જમીનના ભેજમાં ઘટાડાને કારણે વાવણીને અસર થઈ હતી. આમ છતાં, ખેડૂતોના સાહસ અને વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત આબોહવા-અનુકૂળ જાતોને કારણે કુલ ખરીફ ખાદ્યાન્ન ઉત્પાદન 1,671.43 લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે.

મુખ્ય ખરીફ ધાન્ય: ખરીફ ચોખા 1,219.05 લાખ ટન અને જાડા ધાન્ય 381.05 લાખ ટન (મકાઈ 260.64 લાખ ટન, બાજરી 89.43 લાખ ટન, જુવાર 14.79 લાખ ટન, રાગી 12.48 લાખ ટન અને નાના મિલેટ્સ 3.71 લાખ ટન) રહેવાનો અંદાજ છે.
ખરીફ કઠોળ અને તેલીબિયાં: કુલ ખરીફ કઠોળ 71.32 લાખ ટન (તુવેર 31.22 લાખ ટન, મગ 16.59 લાખ ટન, અડદ 14.49 લાખ ટન અને અન્ય દાળ 9.02 લાખ ટન) અંદાજિત છે. કુલ ખરીફ તેલીબિયાં 239.47 લાખ ટન (મગફળી 111.68 લાખ ટન, સોયાબીન 102.44 લાખ ટન, એરંડા 18.97 લાખ ટન, તલ 4.91 લાખ ટન, સૂર્યમુખી 1.17 લાખ ટન અને રામતલ 0.30 લાખ ટન) રહેવાની આશા છે.
ખરીફ રોકડિયા પાકો: ખરીફ સિઝન દરમિયાન શેરડી 4,543.39 લાખ ટન, કપાસ 248.66 લાખ ગાંસડી અને જૂટ-મેસ્તા 97.06 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે.

શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું કે આ પ્રારંભિક અંદાજો છે, જેને કાપણી સમયે થતા પાક કાપણી પ્રયોગોના વાસ્તવિક આંકડા મળ્યા બાદ બીજા અને અંતિમ અંદાજોમાં સુધારવામાં આવશે. આ તમામ આંકડા રિમોટ સેન્સિંગ, ડિજિટલ ક્રોપ સર્વે અને ત્રિ-સ્તરીય ચકાસણી બાદ તૈયાર કરવામાં આવ્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img