Site icon Revoi.in

જામનગરના દડિયા ફોરેસ્ટ રિસોર્ટમાં આગ લાગતા લગ્ન પ્રસંગમાં અફરા-તફરી મચી

Social Share

જામનગર, 3 મે 2026A fire broke out at Dadiya Forest Resort શહેર નજીક રણજીતસાગર રોડ પર દડિયા ગામ પાસે આવેલા ફોરેસ્ટ રિસોર્ટમાં શનિવારે બપોરેના ટાણે આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, કુલરના પંખામાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી. આ રિસોર્ટમાં ગાઝેબો પ્રકારનું બાંધકામ સંપૂર્ણપણે વાંસ અને લાકડાથી બનાવેલું હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગી ત્યારે રિસોર્ટમાં એક લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. આ બનાવમાં સદનસિબે કોઈ જાનહાની થઈ નથી. જોકે આગ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, રણજીતસાગર રોડ પર દડિયા ગામ પાસે આવેલા ફોરેસ્ટ રિસોર્ટમાં શનિવારે બપોરેના ટાણે આગ લાગી હતી. જે જગ્યાએ આગનો બનાવ બન્યો હતો, તે સ્થળની બાજુમાં જ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. જેમાં વરરાજાની પીઠી સહિતના કાર્યક્રમો અને જમણવારની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે અચાનક આગ લાગતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. પ્રસંગમાં મહિલાઓની સંખ્યા વધુ હોવાથી દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. દરમિયાન હોટલ સંચાલકોએ ફાયર સેફ્ટી સિસ્ટમની મદદથી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગના કારણે લગ્નનો હંગામી મંડપ, ફર્નિચર અને અન્ય સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી.

આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ચીફ ફાયર ઓફિસર, ફાયર સ્ટેશન ઓફિસર તથા ટીમના આશરે 30 જેટલા જવાનો બે ફાયર ફાઈટર અને ફાયર જીપ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી સતત પાણીનો મારો ચલાવી અંદાજે અડધા કલાકમાં આગને કાબૂમાં લીધી હતી અને વધુ પ્રસરતી અટકાવી હતી. આગ મુખ્યત્વે ગાઝેબો પ્રકારના બાંધકામ અને લગ્ન મંડપ સુધી મર્યાદિત રહી હતી. જો કે, આસપાસના ઝાડોમાં પણ આગ ફેલાઈ હતી જેને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી.

 આ ઘટનાના કારણે લગ્ન પ્રસંગમાં વિક્ષેપ સર્જાયો હતો અને પરિવારજનોએ બાકી રહેલી વિધિઓ રિસોર્ટના અન્ય સ્થળે કરવાની તૈયારી હાથ ધરી છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આર્થિક નુકસાન નોંધપાત્ર થયું હોવાનું જાણવા મળે છે.

Exit mobile version