
અમદાવાદઃ હાઈ સિક્યુરિટી હોવા છતા સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અવારનવાર મોબાઈલ ફોન મળી આવવાની ઘટના બને છે. જો કે જેલમાં કોણ કોના ઈશારે કઈ રીતે ફોન પોહચાડી દે છે તેની કોઈ માહિતી આજદિન સુધી બહાર નથી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ્યાં આંતકવાદી, ખૂંખાર કેદીઓ અને માથાભારે કેદીઓને રાખવામાં આવે છે એવા હાઈ સિક્યુરિટી ઝોનમાંથી ઝાડ નીચે દાટી સંતાડી રાખેલો મોબાઈલ ફોન મળી આવ્યો છે. જેલના એડી. ડિજીની જેલ ઝડતી સ્ક્વોડની ટીમે ચેકિંગ કરતા ફોન મળ્યો હતો. આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજ્યની જેલોના એડી. ડિજીની ઝડતી સ્ક્વોડની ટીમે સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલા હાઈ સિક્યુરિટી ઝોનમાં ચેકિંગ શરૂ કર્યું હતું. જેલરની આગેવાનીમાં ટીમે તપાસ કરતાં પૂર્વ વિસ્તારમાં દિવાલ પાસે દસ ખોલીની બાજુમાં આવેલ પીપળાના ઝાડ નીચે ખાડો ખોદી દાટેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ચાલુ હાલતમાં સાદો ફોન પોલીસને મળી આવતા આસપાસ તપાસ કરી હતી પરંતુ કોઈ કેદી મળી આવ્યો ન હતો. જેથી ફોનને સીલ કરી અને FSLમાં મોકલી આપવાની કાર્યવાહી કરી હતી. રાણીપ પોલીસ સ્ટેશનમાં અજાણ્યાં શખ્સ સામે જેલરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક વાર મોબાઈલ ફોન મળી આવવાની ઘટના બને છે. રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવે છે પરંતુ જેલમાં મોબાઈલ ફોન કોણે પહોંચાડયો, કઈ રીતે પહોંચ્યા અને કોની જોડે વાત કરી હતી. તેની કોઈ માહિતી આજદિન સુધી બહાર નથી આવી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં આંતકવાદીઓ, ખૂંખાર આરોપીઓ, ખંડણીખોર વગેરે છે જેઓ પાસે મોબાઈલ ફોન મળી આવવાના કિસ્સા પણ નોંધાયા છે ત્યારે મોબાઈલ ફોન આવા કેદીઓ સુધી કોણ પહોંચાડે છે તેના પર તપાસ કરવી જરૂરી છે. છેલ્લા 6-7 વર્ષથી જેલમાંથી મોબાઈલ સહિતની અનેક ગેરકાયદેસરની વસ્તુઓ ઝડપાઈ છે. જેમાં વર્ષે 2014માં 18 ગુના દાખલ થયા અને 23 મોબાઈલ અને 8 સિમ કાર્ડ સાથે 49 આરોપી પકડાયા હતા. 2015માં 25 ગુનામાં 35 મોબાઈલ અને 11 સીમકાર્ડ સાથે 62 આરોપીઓની ધરપકડ થઈ હતી. 2016માં 24 ગુના, 53 આરોપી અને 30 મોબાઈલ અને 5 સીમ કાર્ડ મળી આવ્યા. 2017માં 37 ગુના, 10 આરોપી, 43 મોબાઈલ અને 21 સીમકાર્ડ મળ્યા હતા. જ્યારે 2018માં 34 ગુનામાં 65 આરોપીઓની ધરપકડ થઈ જેમાં 50 મોબાઈલ અને 42 સીમ કાર્ડ મળી આવ્યા હતા. 2019માં 22 ગુનામાં 33 આરોપી અને 27 મોબાઈલ અને 12 સીમકાર્ડ મળી આવ્યા હતા. જ્યારે 2020માં 24 ગુના દાખલ થયા હતા અને 24 આરોપી પકડાયા હતા અને 30 મોબાઈલ અને 5 સીમ કાર્ડ મળી આવ્યા હતા.