અમદાવાદ, 4 જુન, 2026 : A speeding dumper hit a car on the SG Highway શહેરના ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા એસજી હાઈવે પર પૂરફાટ ઝડપે ડમ્પરચાલકે એક કારને ટક્કર મારીને ડમ્પરને ડીવાઈડર કુદાવીને નાસી છૂટ્યો હતો. નાસી રહેલા ડમ્પરને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો છતા રોકાયો ન હતો. જો કે, અંતે પોલીસે પીછો કરીને ડમ્પરચાલકને ઝડપી પાડ્યો હતો. SG હાઈવે પર ધોળેદિવસે સર્જાયેલા ફિલ્મી દૃશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના એસજી હાઈવે પર જગતપુર ચાર રસ્તા પાસેથી બેફામ સ્પીડે ડમ્પર ચલાવી પસાર થઈ રહેલા ડમ્પરના ચાલકે એક મહિલા કાર ચાલકને ટક્કર મારી હતી. ત્યારબાદ લોકોથી બચવા માટે પૂર ઝડપે એસ.જી હાઈવે પર ડમ્પર દોડાવ્યું હતું.લોકોએ પીછો કર્યો તો ડમ્પર ચાલકે એસ. જી હાઈવે પરના ડીવાઈડર કૂદાવીને ડમ્પર ચલાવ્યું હતું. ડમ્પરચાલક ભાગીને એક સાઇટ પર પહોંચી ગયો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બેફામ ડમ્પર ચાલક એસ.જી હાઈવે પર બેફામ સ્પીડે ડમ્પર ચલાવી અનેક લોકોના જીવ જોખમમાં મુક્યા હતા.ડમ્પર ચાલકના કારણે અનેક વાહન ચાલકોના જીવ તાળવે ચોટી ગયા હતા.પોલીસે પણ જ્યારે હાથ બતાવી ડમ્પર રોકવાનો પ્રયત્ન કર્યો તો પોલીસ પાસે પણ ઊભા ન રહીને ભાગી ગયો હતો. એસ.જી હાઈવે- 1 ટ્રાફિક પોલીસે વેલારામ કલાસુઆ નામના ડમ્પરના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે. ડમ્પર ચાલક વિરુદ્ધ BNS અને એમવી એક્ટ હેઠળ ગુનો નોધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

