રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક આદરણીય શ્રી હરીશભાઈ નાયક 13-04-2025ના રોજ સ્વર્ગવાસી થયા. તેમનું ધ્યેયનિષ્ઠ જીવન સૌ માટે પ્રેરક હતું. તેઓ ને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે ગઇકાલે સાંજે સંઘ કાર્યાલય ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સંઘ સ્વયંસેવકો, સામાજિક અગ્રણીઓ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાંજલી સભા ઉપસ્થિત રહી દિવંગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી. સંસદસભ્ય દિનેશભાઈ મકવાણા, અમદાવાદ શહેર ભાજપ, અધ્યક્ષ અમિતભાઈ શાહ, ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન સહિત અનેક સામાજિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલી સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે પ્રાસંગિક ઉદ્બોધનમાં રા.સ્વ.સંઘના સહ સરકાર્યવાહ શ્રી અતુલજી લીમયેએ કહ્યું કે રા.સ્વ.સંઘમાં પ્રચારક પરંપરા એક અદભુત પરંપરા છે લગભગ 1942થી આ પરંપરા ચાલે છે અને ત્યારથી આજ સુધી આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે પ્રચારક નીકળવા માટેની એક જ પૂર્વશર્ત છે માતૃભૂમિ માટે પ્રેમ. શિક્ષિત, અશિક્ષિત, આર્થિક સંપન્ન, નિર્ધન અનેક પ્રકારના કાર્યકર્તાઑ પ્રચારક નીકળયા છે. સમાજમાં જઈને સમાજની જેમ જ રહેવું એ પ્રચારક જીવન છે. સંપૂર્ણ સમાજમાં એક સકારાત્મક વાતાવરણ નિર્માણ કરવાનું કાર્ય આ બધા જ પ્રચારકોએ કર્યું છે.
અતુલજીએ કહ્યું કે શ્રેષ્ઠ મન:સ્થિતિ કેવી રીતે બને છે જેમ કે સ્વ. હરીશભાઈ નાયકએ મૃત્યુ પછી પણ દેહદાન કર્યું. એવા કેટલાય પ્રચારકો છે જેમણે એક સાધારણ વ્યક્તિથી એક આદર્શ કાર્યકર્તા કેવીરીતે બનાય છે તેનો માર્ગ આપણને દેખાડ્યો છે.
હરીશભાઈ જેવા પ્રચારકોનું જીવન એવા બધા જ વિધ્યમાન પ્રચારકો અને વિધ્યમાન ગૃહસ્થ કાર્યકર્તાઑ માટે એક આદર્શ પ્રસ્તુત કરે છે કે પોતાના જીવનમાં એક સાધારણ વ્યક્તિથી એક આદર્શ કાર્યકર્તા સુધીનો પ્રવાસ કેવી રીતે કરવો જોઈએ. તેમણે કહ્યું કે હરીશભાઈએ જેવા પ્રચારકોને જો શ્રદ્ધાંજલી અર્પિત કરવી હોય તો હરીશભાઈએ જે કાર્યમાં સંપૂર્ણ જીવન લગાવી દીધું એ કાર્ય નિરંતર કરવું અને વધારે ગતિથી કરવું એ જ એમને સાચી શ્રદ્ધાંજલી હશે.