
આત્મનિર્ભર ભારતઃ અમેરિકા બાદ ફ્રાન્સે પણ ભારતની સાથે ફાઈટલ જેટ એન્જિન બનાવવાની તૈયારી દર્શાવી
નવી દિલ્હીઃ ભારતની સાથે અમેરિકા બાદ હવે ફ્રાન્સ પણ ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે તૈયાર છે. પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારતમાં ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે પ્લાન્ટ સ્થાપવાની ડીલ ફાઈનલ થયા બાદ હવે ફ્રાન્સની કંપનીએ પણ ભારત સાથે 110 કિલો ન્યૂટન થ્રસ્ટ મિલિટ્રી એન્જિન વિકસાવવા માટે તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે.
ફ્રેન્ચ કંપની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ના ગેસ ટર્બાઈન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE) સાથે નવું અત્યાધુનિક 110 કિલો ન્યૂટન થ્રસ્ટ એન્જિન વિકસાવવા માટે તૈયાર છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી (ToT) હેઠળ એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) અને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) માર્ક-II માટે એન્જિન વિકસાવવામાં આવશે. ફ્રેન્ચ કંપની તેની ઓફસેટ પ્રતિબદ્ધતાઓના ભાગરૂપે ભારતમાં એરક્રાફ્ટ એન્જિન માટે મેન્ટેનન્સ રિપેર અને ઓવરહોલ (MRO) સુવિધાની જાહેરાત કરવા માટે તૈયાર છે.
ભારતના સૌથી મહત્વાકાંક્ષી પાંચમી પેઢીના એરક્રાફ્ટ માટે કોઈ સ્વદેશી જેટ એન્જિન નથી. તેથી જ ભારતે વિદેશી કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડીને ‘આત્મનિર્ભર ભારત‘ અને ‘મેક ઇન ઈન્ડિયા‘ મિશનને પ્રોત્સાહન આપતાં, AMCA એન્જિનનું જાતે જ ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. 5.5 જનરેશનના એરક્રાફ્ટને પાવર આપવા માટે 120 કિલોનું ન્યૂટન એન્જિન વિકસાવવામાં આવનાર છે. આ માટે ફ્રેન્ચ કંપની સેફ્રાન, અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક અને બ્રિટિશ ફર્મ રોલ્સ રોયસ સહિત અનેક વિદેશી કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી.