અમદાવાદ, 2 ફેબ્રુઆરી 2026: રાજ્યભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા પવનની ગતિ પણ વધી છે. તો બીજી બાજુ અનેક વિસ્તારોમાં વાદળો ગોરંભાયા છે. આજે સવારે પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા વિસ્તારમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. દરમિયાન હવામાન આગાહીકારોએ ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે.
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ હરિયાણા સુધી એક ટ્રફ સિસ્ટમ સક્રિય છે, જે સમુદ્ર સપાટીથી અંદાજે 0.9 કિમીની ઊંચાઈ પર સ્થિત છે. આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ ઉપરાંત, ઉત્તર પાકિસ્તાન ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, પરંતુ તેની રાજ્યના હવામાન પર કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી. જ્યારે આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન સૂકું રહેશે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો કે મહત્વપૂર્ણ ફેરફાર થવાની સંભાવના નથી. માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. જોકે, ઉત્તર અને ઉત્તર-પૂર્વીય પવનો 15થી 20 નોટની ઝડપે ફૂંકાવાની શક્યતા છે.
હવામાનના આગાહીકારોના કહેવા મુજબ રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં લોકોને એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થશે. સવાર અને સાંજ ઠંડીનો માહોલ રહેશે, તો બપોરે ક્યાંક ગરમી રહેશે. ફેબ્રુઆરીમાં કેટલાક સ્થળોએ હળવો કમોસમી વરસાદ પણ પડી શકે છે. જે કે ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી વધારે તાપમાન રહેવાની આગાહી છે. લોકોને બપોરે ગરમીનો અહેસાસ થશે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક ટ્રફ સર્જાતા ફેબ્રુઆરી મહિનામાં કેટલાક દિવસ દરમિયાન વરસાદી છાંટા પણ પડી શકવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

