1. Home
  2. ગુજરાતી
  3. લશ્કર-એ-તૈયબાએ એબટાબાદમાં નવો આતંકી અડ્ડો તૈયાર કર્યો, ભારતીય એજન્સીઓ સતર્ક
લશ્કર-એ-તૈયબાએ એબટાબાદમાં નવો આતંકી અડ્ડો તૈયાર કર્યો, ભારતીય એજન્સીઓ સતર્ક

લશ્કર-એ-તૈયબાએ એબટાબાદમાં નવો આતંકી અડ્ડો તૈયાર કર્યો, ભારતીય એજન્સીઓ સતર્ક

0
Social Share

નવી દિલ્હી, 30 મે 2026: ભારતના ‘ઓપરેશન સિંદૂર’ પછી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (KPK) પ્રાંતના એબટાબાદમાં પોતાનો નવો મરકઝ (આતંકી કેન્દ્ર) તૈયાર કરી રહ્યું છે. ભારતીય ગુપ્તચર અહેવાલની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સૈન્યની કાર્યવાહી બાદ લશ્કર દ્વારા સ્થાપિત અથવા પુનર્નિર્મિત કરવામાં આવેલું આ પાંચમું મોટું આતંકી માળખું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવો મરકઝ લશ્કરના સરગના હાફિઝ સઈદના સાળા અને પ્રતિબંધિત આતંકી સંગઠનના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા અબ્દુલ રહેમાન મક્કીના નામ પર બનાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં જન્મેલા મક્કીને અમેરિકા અને ભારત દ્વારા પહેલેથી જ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે જમાત-ઉદ-દાવાનો ડેપ્યુટી ચીફ છે અને રાજકીય બાબતોની પાંખનો વડો હોવાની સાથે લશ્કરના મુખ્ય રણનીતિકાર અને કટ્ટરપંથી નેટવર્ક વિસ્તારનારા નેતાઓમાં ગણાય છે.

મે 2025માં ભારતીય સૈન્ય કાર્યવાહી દરમિયાન પંજાબ પ્રાંતના મુરીદકે સ્થિત લશ્કરનું મુખ્ય મથક તબાહ થયા પછી સંગઠને પોતાની ગતિવિધિઓનું કેન્દ્ર બદલવાની ફરજ પડી છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, ‘ઓપરેશન સિંદૂર’ પછી આતંકી જૂથોએ પોતાના ઠેકાણાઓનું સતત વિસ્તરણ કર્યું છે. સપ્ટેમ્બર 2025માં ખૈબર પખ્તુનખ્વા અને ફેબ્રુઆરી 2026માં કોટલીમાં ગતિવિધિઓ વધ્યાના રિપોર્ટ સામે આવ્યા હતા. ત્યારબાદ માર્ચ 2026માં મીરપુર અને રાવલકોટમાં પણ નવા માળખાની માહિતી મળી હતી. મુરીદકે તબાહ થતાં હવે આ સંગઠન અફઘાન સરહદને અડીને આવેલા એબટાબાદ જેવા વિસ્તારોમાં પોતાનું ટ્રેનિંગ નેટવર્ક મજબૂત કરી રહ્યું છે.

  • અનાથ બાળકોને નિશાન બનાવવાનું ષડયંત્ર

ખુફિયા એજન્સીઓએ એવી પણ ગંભીર આશંકા વ્યક્ત કરી છે કે એબટાબાદમાં તૈયાર થઈ રહેલા આ નવા પરિસરમાં અનાથ બાળકો અને યુવાનોની ભરતી કરીને તેમને કટ્ટરપંથી બનાવવામાં આવશે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આતંકી સંગઠનો ખાસ કરીને એવા યુવાનોને નિશાન બનાવે છે જેમની સામાજિક અને કૌટુંબિક સુરક્ષા નબળી હોય. આની પાછળનો મુખ્ય હેતુ એ છે કે ભવિષ્યમાં જો આ યુવાનો માર્યા જાય તો કોઈની જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બની જાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા. જેના જડબાતોડ જવાબમાં ભારતે 7 મે 2025 ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરીને પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકી અડ્ડાઓ પર સચોટ મિસાઈલ હુમલા કર્યા હતા. આ ભયંકર કાર્યવાહીમાં લશ્કર અને જૈશ-એ-મોહમ્મદના 9 મુખ્ય આતંકી ઠેકાણા અને ટ્રેનિંગ કેન્દ્રો સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. હાલમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ આતંકી સંગઠનો દ્વારા નવા વિસ્તારોમાં માળખા ઊભા કરવાની આ તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code