
નેમ પ્લેટ વિવાદ બાદ હવે 2025માં યૂપીમાં યોજાનારા મહાકુંભમાં એન્ટ્રી માટે આઇડી કાર્ડ ફરજિયાત બનાવવાની ઉઠી માંગ
કાવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટ ફરજિયાત બનાવવાના વિવાદ બાદ હવે પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં ફરજિયાત ઓળખ કાર્ડની માંગ ઉઠી રહી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના મહાસચિવ અને જુના અખાડાના સંરક્ષક સ્વામી હરિ ગિરીજી મહારાજે માંગણી કરી છે કે મહા કુંભ મેળામાં આવતા તમામ ભક્તોને તેમની સાથે ઓળખ પત્ર લાવવાની ફરજ પાડવામાં આવે.
આ માંગ અખાડા પરિષદના મહાસચિવ અને જૂના અખાડાના સંરક્ષક સ્વામી હરિ ગિરી જી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સરકારે આદેશ જારી કરવો જોઈએ કે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભ મેળામાં આવતા તમામ લોકોએ પોતાનું ઓળખપત્ર લાવવું જોઈએ. તેમના જણાવ્યા અનુસાર, લોકોએ માત્ર ઓળખપત્ર જ ન લાવવું જોઈએ, પરંતુ તેની નકલ પણ પ્રમાણિત કરાવવી જોઈએ.
મહાંત હરિ ગિરીના જણાવ્યા અનુસાર, ઘણી વખત લોકો નકલી ઓળખપત્ર પણ બનાવે છે, તેથી આધાર કાર્ડ-મતદાર કાર્ડ અથવા અન્ય ઓળખપત્રની નકલ પણ ગેઝેટેડ અધિકારી, કાઉન્સિલર, ગ્રામ વડા, પંચાયત સચિવ અથવા અન્ય કોઈ પાસેથી પ્રમાણિત કરીને લાવવી જોઈએ.
ભક્તો માટે ઓનલાઇન નોંધણીની વ્યવસ્થા કરવાની પણ માંગ
મહાંત હરિ ગિરીએ યોગી સરકાર અને મહાકુંભ વહીવટીતંત્રને મહાકુંભમાં આવતા ભક્તો માટે ઓનલાઇન નોંધણીની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે. અખાડા પરિષદના મહાસચિવનું કહેવું છે કે આ વખતે મહાકુંભ પડકારોથી ભરેલો છે. આ વખતે મહાકુંભમાં લગભગ 40 લાખ ભક્તો દર્શન માટે આવી શકે છે. એવા ઘણા લોકો છે જે સનાતનને લઇને ખુબજ કટ્ટર છે. તેમણે કહ્યું કે આસ્થાના આ સૌથી મોટા મેળામાં કોઈ ખલેલ ન પડે અને કોઈ હિંસા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે મહાકુંભમાં આવતા દરેક વ્યક્તિ માટે ચકાસાયેલ ઓળખપત્ર ફરજિયાત બનાવવું જોઈએ. તેમણે કહ્યું કે આ સંબંધમાં જૂના અખાડાએ તેમના સ્થાન પર આવનારા તમામ મહામંડલેશ્વર, સંત અને મહાત્માઓને સૂચના આપી છે કે તેમના સ્થાન પર આવનારા તમામ ભક્તોના નામ અને ઓળખપત્રોની યાદી અગાઉથી મેળવવી જોઈએ.
નિરંજની સહિત અન્ય તમામ અખાડાઓ સાથે પણ વાતચીત થઈ રહી છે. તેમના જણાવ્યા અનુસાર, ઓળખપત્ર મહત્વપૂર્ણ છે જેથી જો કોઈ ઘટના બને તો ગુનેગારોની ઓળખ કરવામાં આવે. એક જ નામના હજારો લોકો મહાકુંભમાં આવશે અને માત્ર નામથી કોઈ માહિતી નહીં મળે. ઓળખપત્ર સાથે પિતાનું નામ અને સરનામું પણ મળી જશે અને અન્ય લોકોને પણ કોઈ અસુવિધા નહીં થાય. મહાકુંભમાં ફરજ બજાવતા કર્મચારીઓ, સંત-મહાત્માઓ, કલ્પવાસીઓ અને સામાન્ય ભક્તો માટે પણ ઓળખપત્રની વ્યવસ્થા કરવી જોઈએ. તેમના જણાવ્યા અનુસાર ડઝનબંધ લોકોએ સીએમ યોગી આદિત્યનાથના નામે નકલી ઓળખપત્રો પણ બનાવ્યા છે.