1. Home
  2. ગુજરાતી
  3. સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેન્દ્રનો નિર્ણય, તમામ ધોરણના પાઠ્યપુસ્તકોની થશે સમીક્ષા
સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેન્દ્રનો નિર્ણય, તમામ ધોરણના પાઠ્યપુસ્તકોની થશે સમીક્ષા

સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેન્દ્રનો નિર્ણય, તમામ ધોરણના પાઠ્યપુસ્તકોની થશે સમીક્ષા

0
Social Share

નવી દિલ્હી, 11 માર્ચ 2026: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) ના પાઠ્યપુસ્તકોમાં ન્યાયતંત્ર વિશે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ગંભીર ભૂલ બાદ કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને જાણ કરી છે કે તેમણે એનસીઈઆરટીને માત્ર એક ધોરણ નહીં, પરંતુ તમામ ધોરણના પુસ્તકોની ફરીથી સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ સમગ્ર વિવાદ એનસીઈઆરટીના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકથી શરૂ થયો હતો. આ પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારને લઈને કેટલીક એવી બાબતો લખવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે અત્યંત વાંધાજનક ગણાવી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પાંચોલીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. અગાઉ 26 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે આ પુસ્તકના છાપકામ અને ઈન્ટરનેટ પર વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “પુસ્તકમાં લખાયેલી વાતો ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડવાનું ઊંડું ષડયંત્ર અને સોચી-સમજી ચાલ લાગે છે.” અદાલતે આદેશ આપ્યો છે કે બજારમાં ઉપલબ્ધ તમામ નકલો તાત્કાલિક જપ્ત કરવામાં આવે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ભરોસો અપાવ્યો હતો કે પાઠ્યક્રમની તપાસ માટે વિષય નિષ્ણાતોની એક પેનલ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે એનસીઈઆરટીમાં હવે મોટી વ્યવસ્થાકીય સુધારણા શરૂ કરવામાં આવી છે અને નિષ્ણાતોની મંજૂરી વિના નવું કન્ટેન્ટ પબ્લિશ કરવામાં આવશે નહીં. આ દરમિયાન, એનસીઈઆરટીના ડાયરેક્ટરે કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને બિનશરતી માફી માંગી લીધી છે.

સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે જો કેન્દ્ર સરકાર પોતે નિષ્ણાતોની કમિટી બનાવીને અભ્યાસક્રમની તપાસ કરાવત તો તે વધુ સારું પગલું હોત. હવે જ્યારે કેન્દ્રએ તમામ પુસ્તકોની સમીક્ષા કરવાની ખાતરી આપી છે, ત્યારે શિક્ષણ જગતમાં આ એક મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ISI માટે જાસૂસી કરતો નેવીનો જવાન ઝડપાયો: યુદ્ધ જહાજોના લોકેશન પાકિસ્તાન મોકલ્યા હતા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code