અમદાવાદ, 7 જુન, 2026 : 656 seats still vacant after two rounds of RTE શહેરમાં ગરબી પરિવારોના બાળકોને આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરમાં 14 હજાર જેટલી આરટીઈની બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ બે રાઉન્ડ બાદ હજુ પણ 656 જેટલી બેઠકો ખાલી પડી છે. જેથી હવે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાલી પડેલી 656 બેઠક માટે વાલીઓ આવતી કાલે તા. 8મી જુન સુધી ઓનલાઇન અરજીમાં સ્કૂલોની પંસદગીમાં ફેરફાર પણ કરી શકશે. જેથી વાલીઓને અગાઉ જે શાળા પંસદ કરી હતી તે શાળામાં બેઠકો ભરાઈ ગઈ હોય તો અન્ય શાળા પંસદ કરવા મેસેજ કરીને સૂચના પણ આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં 1300 જેટલી ખાનગી શાળાઓની 14 હજાર બેઠકો પર RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે માટે 38 હજાર જેટલી અરજીઓ મંજુર કરવામાં આવી હતી. જે બાદ પ્રથમ અને બીજા રાઉન્ડમાં 14,570 જેટલા વિદ્યાર્થીઓને શાળાઓ ફાળવવામાં આવી હતી. પરંતુ તેની સામે માત્ર 13,360 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જેથી હજુ પણ અમદાવાદ શહેરમાં ખાલી પડેલી 656 બેઠકો માટે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરમાં સૌથી વધુ હિન્દી મીડીયમની શાળાઓમાં બેઠકો ખાલી રહી હોવાનું સામે આવ્યું છે. જેમાં હિન્દી મીડિયમમાં 440, ગુજરાતી મીડીયમમાં 107, અંગ્રેજી મીડીયમમાં 109 જગ્યા ખાલી પડી છે. પ્રથમ અને બીજા રાઉન્ડ બાદ પણ ઘણા એવા વાલીઓ છે કે જેમના બાળકોને શાળાઓ ફાળવવામાં આવી નથી. કારણ કે પ્રથમ રાઉન્ડ બાદ વાલીઓને શાળાઓની પુનઃ પસંદગી કરવા સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તે બાદ પણ ઘણા વાલીઓએ અગાઉ જે શાળા પસંદ કરી હતી તેમાં કોઈપણ પ્રકારનો બદલાવ કર્યો ન હતો જેથી બીજા રાઉન્ડમાં પણ તેમના બાળકોને પ્રવેશ મળી શક્યો નથી. પરંતુ હવે વાલીઓ જો શાળાઓની ખાલી પડેલી બેઠકોના આધારે શાળા પસંદગી કરશે તો ત્રીજા રાઉન્ડમાં તેમના બાળકોને પ્રવેશ મળી શકે છે. તેમજ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પણ કઈ શાળાઓમાં કેટલી બેઠકો ખાલી છે તેના આધારે શાળાની પંસદગી કરવા વાલીઓને સૂચના આપવામાં આવી છે.

