Homeગુજરાતીઅમદાવાદઃ જિલ્લાના 10.84 કરોડનાં 505 વિકાસ કામોને બહાલી આપાઈ

અમદાવાદઃ જિલ્લાના 10.84 કરોડનાં 505 વિકાસ કામોને બહાલી આપાઈ

અમદાવાદઃ જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજિત મંડળની મહત્ત્વપૂર્ણ બેઠક અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ અને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂબહેન અંબારામભાઈ પઢાર તથા સહ ઉપાધ્યક્ષ અને કલેક્ટર પ્રવીણા ડી.કે. ઉપરાંત સ્થાનિક સાંસદો તથા ધારાસભ્યઓ, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ સહિતના જિલ્લાના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે જનસમૂહની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ છે. આ માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી કામગીરી કરે છે. આ સુવિધાઓ ઊભી કરતાં વિકાસ કામો અને જનહિતલક્ષી કામોનું આયોજન ઉપરાંત તેનું અમલીકરણ એવું સુપેરે થવું જોઈએ કે ખર્ચાયા વિનાનો એક પણ રૂપિયો પરત જમા ન કરાવવો પડે.

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને ખાસ પછાત વિસ્તાર સહિત વિવેકાધીન નગરપાલિકાનાં આયોજનો મંજૂર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજનાનું વર્ષ 2023-24નું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં તાલુકા કક્ષાના 9 કરોડ 47 લાખનાં 481 કામો, નગરપાલિકાના 1 કરોડ 37 લાખનાં 24 કામો, જ્યારે જિલ્લાના કુલ 10 કરોડ 84 લાખનાં 505 કામોને બહાલી આપવામાં આવી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ યોજનાનાં 35 લાખનાં 14 કામોને મંજૂર કરાયાં હતાં.

આ બેઠકમાં જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ મંજૂર થયેલાં કાર્યોની સમીક્ષા પણ હાથ ધરવામાં આવી હતી. બાકી રહેલાં કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ જોગવાઈઓ હેઠળ મંજૂર થયેલાં કાર્યોની પોર્ટલ પર રિયલ ટાઇમ ઓનલાઇન એન્ટ્રી તથા જિઓ ટેગિંગની બાબત પણ ચર્ચવામાં આવી હતી. આ ઉપરાંત એમપીએલએડીએસ હેઠળ મંજૂર થયેલાં કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img