અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લેવાયો મહત્વનો નિર્ણય, રસ્તા ઉપરની શાકની લારીઓ દૂર કરાશે
- નાના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પડાશે
- મનપાની સ્ટેડિંગ કમિટીની બેઠકમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે ચર્ચા
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વિકટ સમસ્યાનો નિરાકરણ માટે રાજ્ય સરકાર, એએમસી અને પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. હવે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા દબાણ દૂર કરાશે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં જાહેર રોડ પરથી શાકમાર્કેટ હટાવાશે. શાકમાર્કેટ દૂર કરી શાક વેચનારા લોકો માટે વૈક્લ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાંકરીયા રોડ ઉપર આવેલા મીરા સિનેમા પાસેના દબાણ દૂર કરવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને સૂચના આપી છે. શહેરના તમામ રસ્તાઓ ઉપર શાકમાર્કેટ અને લારીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. સાંજના સમયે ફેરીયાઓ શાકભાજીની લારીઓ જાહેર રસ્તા ઉપર ઉભી રાખતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. જેથી અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સભ્યોએ ટ્રાફિકની સમસ્યાની રજૂઆત કરી હતી. ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસે દબાણો હટાવવાનો નિર્ણય લીધો છે. મણિનગરના કાંકરિયા વિસ્તારમાં જાહેર રોડ પરથી શાકમાર્કેટ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી રસ્તાઓ પહોળા થઇ શકે અને લોકોને ટ્રાફિક જામની સમસ્યા ન રહે. જે પછી શાક વેચનારા લોકો માટે વૈક્લ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે.
(PHOTO-FILE)