વાયુસેનાની ઘાતક ક્ષમતામાં વધારો થશે: 1000 કિલોના સ્વદેશી સુપર બોમ્બથી દુશ્મનના બંકરો થશે તબાહ
નવી દિલ્હી, 7 એપ્રિલ 2026: ભારતીય વાયુસેનાની પ્રહાર ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે રક્ષામંત્રાલયે એક મહત્વકાંક્ષી બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ હવે વાયુસેનાને 1000 કિલોગ્રામ વજનના અત્યંત શક્તિશાળી સ્વદેશી એરિયલ બોમ્બથી સજ્જ કરવામાં આવશે. મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે ‘એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ’ જાહેર કરી દીધું છે, જે ભારતના સંરક્ષણ ઈતિહાસમાં એક મહત્વનો વળાંક સાબિત થશે. આ સ્વદેશી બોમ્બ તેની વિનાશક ક્ષમતામાં અમેરિકાના પ્રખ્યાત Mk-84 બોમ્બની સમકક્ષ હશે. આ બોમ્બની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યો છે કે તે રશિયન બનાવટના સુખોઈ-30 MKI અને ફ્રાન્સના રાફેલ કે મિરાજ એમ બંને પ્રકારના ફાઈટર જેટ્સ સાથે સરળતાથી ફિટ થઈ શકશે.
રક્ષામંત્રાલયે આ યોજનાને બે ભાગમાં વહેંચી છે, પ્રથમ તબક્કામાં 6 પ્રોટોટાઇપ (લાઈવ અને ડમી) વિકસાવવામાં આવશે. બોમ્બના ટેલ યુનિટ અને અન્ય સહાયક સાધનોનું પરીક્ષણ ભારતની જ ટેસ્ટ રેન્જમાં કરવામાં આવશે. ટ્રાયલ સફળ થયા બાદ કંપનીઓને ટેન્ડર જાહેર કરવામાં આવશે, જેના દ્વારા કુલ 600 બોમ્બની ખરીદી સુનિશ્ચિત કરાશે. આ બોમ્બ દુશ્મનના હૃદયમાં ફાળ પાડે તેવા શક્તિશાળી છે. તે પ્રચંડ માત્રામાં વિસ્ફોટક ઉર્જા પેદા કરે છે. ધડાકા બાદ પેદા થતું દબાણ દુશ્મનના મજબૂત બંકરો અને સૈન્ય મથકોને પળવારમાં રાખમાં ફેરવી દેવા માટે સક્ષમ છે. ખાસ કરીને કોંક્રિટના બંકરો, એરબેઝ અને સૈન્ય હેડક્વાર્ટરને નિશાન બનાવવા માટે આ બોમ્બ રામબાણ ઈલાજ સાબિત થશે.
DAP 2020 ની Make-II કેટેગરી હેઠળ આ પ્રોજેક્ટમાં ઓછામાં ઓછી 50 ટકા સ્વદેશી સામગ્રી હોવી અનિવાર્ય છે. આ નિર્ણય ભારતીય સ્ટાર્ટઅપ્સ અને MSMEs માટે સંરક્ષણ ક્ષેત્રે કદમ માંડવાની સુવર્ણ તક પૂરી પાડશે. હાલમાં ભારત આ શ્રેણીના ભારે બોમ્બ માટે વિદેશી બજારો પર નિર્ભર છે, પરંતુ આ પ્રોજેક્ટથી વિદેશી મુદ્રાની બચત થશે અને યુદ્ધ જેવી સ્થિતિમાં ભારત આત્મનિર્ભર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિઝાઇનથી લઈને અંતિમ કોન્ટ્રાક્ટ સુધીની આ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે 2.5 વર્ષ જેટલો સમય લાગવાની ધારણા છે. આ કદમથી ભારત વૈશ્વિક ડિફેન્સ હબ બનવા તરફ વધુ એક ડગલું આગળ વધશે.


