
સુરતઃ આજથી એટલે કે 1લી જાન્યુઆરીથી શહેર રાજ્યના અન્ય શહેરો સાથે હવાઈ સેવાથી જોડાઈ ગયું છે.. શહેરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની દૈનિક હવાઇ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતને આંતરશહેર હવાઈ સેવાઓનો લાભ મળ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનારી સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ દ્વારા આજે તા.1લી જાન્યુઆરીથી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી એમ કુલ ચાર જગ્યા પર દૈનિક ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે પ્રારંભ થયેલી આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વેન્ચુરા દ્વારા વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે રોજ ઉડાન ભરશે અને સેક્ટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેક્ટર માટે એકસમાન રૂ.1999 ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ,નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે.