
ભારતીય સંસ્કૃતિ જ નહીં સંસ્કૃત ભાષાએ પણ દુનિયાને નવી રાહ ચિંધી
ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા દુનિયાના અનેક દેશોમાં આકર્ષી રહી છે. એટલું જ નહીં અમેરિકાની જાણીતી સિંગર મેરી મિલબેનએ તાજેતરમાં ભારતીયોને નવા વર્ષની સંસ્કૃતના શ્લોકનું પઠન કરીને શુભકામના પાઠવી હતી. બીજી તરફ ભારતીયો જ એક સમયની જનભાષા સંસ્કૃતને ભૂલી રહ્યાં છે. દેશની જનતાએ અંગ્રેજી ભાષા તરફ દોડ લગાવી છે. અંગ્રેજી સહિતની દુનિયાની મોટાભાગની ભાષામાં સંસ્કૃતના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. દુનિયામાં રોજ નવી-નવી ટેકનોલોજી શોધાઈ રહી છે. આગામી વર્ષોમાં જ્યારે ટોકીંગ કોમ્પ્યુટર બનાવવું હશે ત્યારે સંસ્કૃત ભાષા જ ઉપયોગી સાબિત થશે. જેથી પ્રાચીન ભાષાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક ભાષાની દ્રષ્ટિએ પણ સંસ્કૃતનું માત્ર ભારતીય જ નહીં વિશ્વના લોકોને આગામી દિવસોમાં જ્ઞાન લેવુ પડશે.
ભારતમાં સંસ્કૃત ભાષા એકસમયે ભારતવર્ષની જનભાષા હતી. રાજા ભોજના સમયમાં સંસ્કૃત જ આપણી જનભાષા હતી. સંસ્કૃત ભાષા વિશ્વની સૌથી વૈજ્ઞાનિક ભાષા છે અને આ જ ભાષા પરથી અંગ્રેજી સહિતની ભાષાઓનું નિર્માણ થયું છે. સંસ્કૃત જ એક માત્ર એવી ભાષા છે કે, જે વસુધૈવ કુટુમ્બકમ એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે તેવું સૂત્ર આપ્યું છે. આ ઉપરાંત સર્વે ભવન્તુ સુખીન: સર્વે સંતુ નિરામયા (વિશ્વના તમામ લોકોનું કલ્યાણ થાય) તેવી માંગણી કરતું સૂત્ર પણ સંસ્કૃતે જ આપ્યું છે. આજે આપણે સંસ્કૃતને ભૂલીને અંગ્રેજીને વધારે મહત્વ આપીએ છીએ. પરંતુ મધર, બ્રધર સહિતના અંગ્રેજી શબ્દો પણ સંસ્કૃતમાંથી જ લેવાયાંનું તજજ્ઞો માને છે. એટલે જ સંસ્કૃત ભાષા માત્ર ભારત જ નહીં દુનિયાના વિવિધ દેશોને આકર્ષી રહી છે. સનાતન ધર્મમાં ગીતાજી, રામાયણ, મહાભારત, વેદ સહિતના ધાર્મિક ગ્રંથો પણ સંસ્કૃતમાં લખાયેલા છે. આ ધાર્મિક ગ્રંથો જ જીવન જીવવાની દિશા બતાવે છે. અમદાવાદમાં ચારેક મહિના અગાઉ સલમા કુરેશી નામની વિદ્યાર્થિનીએ ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાંથી પુરાણોના અધ્યન સાથે પીએચડી કરી હતી.
ડો.આંબેડકરે સંસ્કૃતને ભારતની સત્તાવાર ભાષા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમનો મત હતો કે, ઉત્તર ભારતમાં તમિલ સ્વીકાર્ય નહીં હોય અમે તેવી જ રીતે દક્ષિણ ભારતમાં હિન્દીનો સ્વીકાર નહીં થાય પરંતુ, ઉત્તર અને દક્ષિણમાં સંસ્કૃતમાં વિરોધ થવાની સંભાવના શૂન્ય છે, તેથી તેમણે સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષા બનાવવા પ્રસ્તાવ મુક્યો હતો.
ભારતના પૂર્વ વિદેશ મંત્રી સ્વ.સુષ્મા સ્વરાજે પણ તેમના એક સંબોધનમાં કહ્યું હતું કે, જ્યારે ટોકિંગ કમ્પ્યુટર બનાવવાનો સમય આવશે ત્યારે શબ્દ અને વ્યાકરણની સાથોસાથ ઉચ્ચારણમાં પણ શ્રેષ્ઠ હોય તેવી ભાષાની જરૂર પડશે અને ત્યારે સમગ્ર વિશ્વએ સંસ્કૃત ભાષાની ભવ્યતાને સ્વીકારવી પડશે. કમ્પ્યુટર એકમાત્ર સંસ્કૃત ભાષાથી જ ઓપરેટ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. ટોકિંગ કમ્પ્યુટરમાં ઉપયોગ માટે અંગેજી ભાષા અયોગ્ય છે. અંગેજી ભાષામાં ગઘનું ઉચ્ચારણ અને ઊંગઘઠ બન્નેનું ઉચ્ચારણ એક સમાન છે ત્યારે કમ્પ્યુટર શું સમજશે. સંસ્કૃતમાં શબ્દોનો આકાર-ભંડાર છે.