 
                                    અમદાવાદમાં માસ્ક વગર ફરતા લોકોને ઝડપી લેવા AMCની 151 ટીમ મેદાનમાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે જો કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક લોકો માસ્ક વગર ફરતા હોવાની વ્યાપક ફરિયાદને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. તેમજ આવા લોકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પણ અભિયાન વેગવંતુ બનાવ્યું છે અને આવી વ્યક્તિઓને ઝડપી લેવા માટે 151 ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં 24 કલાકમાં મનપાની વિવિધ ટીમ દ્વારા માસ્ક વગર ફરતા 141 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. જેમાંથી 56 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એમટી દ્વારા માસ્ક વગર પકડવામાં આવેલા લોકો પાસેથી 1.40 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે 33 વ્યક્તિઓ માસ્ક વગર પકડાઈ હતી. તેમની પાસેથી રૂ. 33 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે સૌથી ઓછા મધ્ય વિસ્તારમાં લોકો માસ્ક વગર પકડાયાં હતા. આ ઉપરાંત જાહેરમાં થુંકરનારાઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાકાળમાં અનેક લોકો માસ્ક વગર ફરતા હોવાનું હાઈકોર્ટના ધ્યાન ઉપર આવ્યું હતું. જેથી હાઈકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આવી વ્યક્તિઓ પાસે કોવિડ કેસ સેન્ટરમાં સેવા કરાવા નિર્દેશ કર્યો હતો. જો કે, હાઈકોર્ટના આદેશ સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેથી સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ ઉપર સ્ટે ફરમાવ્યો હતો.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

