
પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું PoK છોડી દેવાનું? અમિત શાહનો કોંગ્રેસ-વિપક્ષને અણીયારો સવાલ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર પર તેમના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. મણિશંકરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, જો પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું આપણે Pok છોડી દેવું જોઈએ?
અમિત શાહે ઉત્તર પ્રદેશની કૌશામ્બી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવારના સમર્થનમાં આયોજિત ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. અમિત શાહે કહ્યું હતું કે, ‘મણિશંકર ઐયર અને ફારુક અબ્દુલ્લા કહે છે કે પાકિસ્તાનનું સન્માન કરો કારણ કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પરત ના માંગો. રાહુલ બાબા, જો તમારે પરમાણુ બોમ્બથી ડરવું હોય તો ડરો, અમે ડરતા નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનું છે અને અમે તેને પરત લઈશું.
આ સાથે અમિત શાહે જનતાને ભાજપના ઉમેદવારના સમર્થનમાં વોટ કરવાની અપીલ કરી હતી. તેમણે લોકોને ભાજપની હેટ્રિકની ખાતરી કરવા વિનંતી કરી હતી. તેમણે દાવો કર્યો કે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની પહેલી હેટ્રિક છે. બીજી હેટ્રિક ત્રીજી વખત યુપીમાં સપા, બસપા અને કોંગ્રેસને સંપૂર્ણ રીતે ખતમ કરવાની છે અને ત્રીજી હેટ્રિક મારા મિત્ર વિનોદ સોનકરને સાંસદ બનાવવાની છે. અમિત શાહે લોકસભાની ચૂંટણીમાં ભાજપની 400થી વધારે બેઠકો ઉપર જીતનો દાવો કર્યો હતો.