
બારડોલીમાં સગીરા ઉપર દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા
અમદાવાદઃ બારડોલીમાં 11 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાના ચકચારી બનાવમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. અદાલતે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક આરોપીને ફાંસીની સજા ફરમાવી હતી. જ્યારે અન્ય એક આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી.
કેસની હકીકત અનુસાર 20 ફેબ્રુઆરી 2022ના રોજ 11 વર્ષની માસુમ બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા કરી રૂમમાં પુરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી દયાચંદ ઉમરાવ પટેલ અને કાલુરામ જાનકી પ્રસાદની ધરપકડ કરી હતી. તેમજ અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.આ કેસ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલે દસ્તાવેજી પુરાવાઓ રજુ કરીને સાક્ષીઓને તપાસ્યાં હતા. આ ઉપરાંત સરકારી વકીલે આરોપીને આકરી સજા ફરમાવા આદેશ કર્યો હતો. જ્યારે બીજી તરફ આરોપીના વકીલે આરોપીઓને ઓછી સજા કરવાની માંગણી કરી હતી. મૃતક બાળકી શ્રમજીવી પરિવારની હોવાનું જાણવા મળે છે.
બારડોલી સેસન્સ એન્ડ ડિસ્ટ્રીકટ જજ બી. જી. ગોલાણીએ સુનાવણીના અંતે બંને આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. તેમજ મુખ્ય આરોપી મનાતા દયાચંદ પટેલને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. જ્યારે અન્ય આરોપીને આજીવન કેદ ફટકારી હતી. આ ઉપરાંત બંને આરોપીઓને દંડ પણ કર્યો હતો. બારડોલી સેસન્સ કોર્ટે એતિહાસિક ચુકાદાને પીડિત પરિવારે આવકાર્યો હતો.
રાજ્યની ભાજપ સરકારે બળાત્કાર જેવા ગુનાને ગંભીરતાથી લઈને પીડિત પરિવારને ઝડપી ન્યાય માટે કોર્ટ કાર્યવાહી તેજ બનાવી છે. તેમજ પોલીસને ઝડપથી કેસની તપાસ કરીને આરોપીઓ સામે અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરવા સૂચના આપવામાં આવી છે.