Site icon Revoi.in

જુનાગઢના ભવનાથમાં મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટ્યો

Social Share

જૂનાગઢ,13 ફેબ્રુઆરી 2026:  ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટી પડ્યો હતો. દેશના ખૂણેખૂણેથી આવેલા હજારો સાધુ-સંતોએ ભવનાથ તળેટીમાં ધામા નાખ્યા છે. અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યુ છે.

 ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આજે મેળાના ત્રીજા દિવસે પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. સમગ્ર દેશ-વિદેશમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના કારણે ભવનાથ તળેટી અત્યારે ‘શિવમય’ બની ગઈ છે. નાગા સાધુઓ ઠેર ઠેર ધૂણો કરીને શિવ ભક્તિમાં લીન થયેલા જોવા મળી રહ્યા છે. ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર 1008  હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું હતું કે, ” ભવનાથ તળેટીમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આમ તો આખું વર્ષ આ ક્ષેત્ર શિવમય હોય છે, પરંતુ શિવરાત્રીના દિવસોમાં અહીંનો આનંદ અલૌકિક હોય છે. ભવનાથ મહાદેવના મંદિરે પરંપરાગત ધ્વજારોહણ થયા બાદ અલગ-અલગ આશ્રમોમાં પણ ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી હતી. જેની સાથે જ નાગા સાધુઓએ ધૂણી ધખાવી ‘અલખ નિરંજન’ અને ‘મહાદેવ હર’ના નાદ સાથે મેળાને વિધિવત વેગ આપ્યો છે. આ મેળો માત્ર મનોરંજન નથી, પણ સાચા અર્થમાં શિવ અને જીવના મિલનનું પર્વ છે.

ગિરનાર ક્ષેત્રમાં નવનાથ, સિદ્ધ ચોર્યાસી, 64 જોગણીઓ અને 52 વીરનો અદ્રશ્ય વાસ હોવાનું માનવામાં આવે છે.  શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, શિવરાત્રીના પાવન દિવસોમાં સ્વયં મહાદેવ કોઈને કોઈ સ્વરૂપે અહીં વિચરણ કરે છે. જેમ નરસિંહ મહેતાની અતૂટ શ્રદ્ધાને વશ થઈને ભગવાન કૃષ્ણે તેમને દર્શન આપ્યા હતા, તેમ ભવનાથમાં શ્રદ્ધા લઈને આવતા પ્રત્યેક ભક્તને મહાદેવ કોઈને કોઈ રૂપે આશીર્વાદ આપે જ છે. મેળાનું મુખ્ય આકર્ષણ દિગંબર નાગા સાધુઓ છે. પાંચ દિવસ સુધી ધૂણી ધખાવીને આરાધના કર્યા બાદ, શિવરાત્રીની મધ્યરાત્રિએ નિકળતી ‘રવેડી’માં આ સાધુઓ શસ્ત્ર કળાના કરતબો બતાવે છે. તલવારબાજી, પટ્ટાબાજી અને લિંગના અલગ-અલગ દાવપેચ જોઈને શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ રવેડીમાં વિવિધ અખાડાના મહામંડલેશ્વરો, સાધુ-સંતો અને ઋષિમુનિઓ શણગારેલા ગજરાજો અને ધર્મધ્વજા સાથે જોડાય છે.

Exit mobile version