1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આણંદ કૃષિ યુનિવર્સિટીઃ પદવીદાન સમારોહમાં 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ
આણંદ કૃષિ યુનિવર્સિટીઃ પદવીદાન સમારોહમાં 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

આણંદ કૃષિ યુનિવર્સિટીઃ પદવીદાન સમારોહમાં 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

0
Social Share

અમદાવાદઃ આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવિદાન સમારોહ રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ, બાગાયત, ફુડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયોએનર્જી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી. બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૫૭૮ વિદ્યાર્થીઓને પદવી તથા ૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૮૨ સુવર્ણચંદ્રકો, ચંદ્રકો તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ દ્વારા કૃષિ યુનિવર્સિટીના સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આણંદ કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આપના અને આપના માતા-પિતાના અથાગ પરિશ્રમથી પ્રાપ્ત થયેલ આ ડિગ્રી દ્વારા આપના ક્ષેત્રમાં ઉત્તમ કાર્યો કરી રાષ્ટ્રની સેવા કરવા હવે આપ તૈયાર થયા છો. રાજ્યપાલશ્રીએ સમાજમાં વિદ્યાર્થીઓને તેઓની ભૂમિકા સમજાવતા કહ્યું કે, દેશના લોકોનું ઉત્તમ પોષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાનું દાયિત્વ કૃષિ યુનિવર્સિટીના યુવાનોનું છે.

આજથી ૬૦ વર્ષ પહેલાં દેશમાં આવેલ હરિત ક્રાંતિને યાદ કરતાં રાજ્યપાલે વિદ્યાર્થીઓને જણાવ્યું કે, તે સમયે દેશની જરૂરિયાત પ્રમાણે ડૉ. સ્વામિનાથન અને ડૉ. મૈનેએ આ ક્રાંતિઓ પ્રદાન કરી હતી. પરંતુ આજે દેશની જમીન અને આબોહવાની સ્થિતિ કંઇક અલગ છે. યુરિયા અને ડીએપી આધારિત ખેતીના અતિક્રમણના કારણે જમીનમાં અને તેના કારણે દેશવાસીઓના સ્વાસ્થ્ય પર જે આડઅસર થઈ રહી છે તેમાં સુધારા લાવવાના પ્રયત્નોમાં યોગદાન આપવું એ આપની જીવનભાવના હોવી જોઈએ.  

જ્યારે આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વાર્ષિક ૨૫,૦૦૦ કરતાં વધુ ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે ત્યારે યુનિવર્સિટીની અને તેના વિદ્યાર્થીઓની જવાબદારી વધી જાય છે. પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવતાં પોતાના ઉદબોધન અને માર્ગદર્શક વીડિયો થકી રાજ્યપાલે આણંદ કૃષિ યુનિવર્સિટીથી વિવિધ પદવી મેળવી સમાજમાં પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ થયેલા યુવાનોને પ્રાકૃતિક ખેતીની વાત અને તેના લાભ સમજી જનજન સુધી પહોચાડવા અપીલ કરી હતી. 

રાજ્યપાલે દેશની અવિરત પ્રગતિ માટે ચારિત્ર્યવાન યુવા પેઢીના ઘડતરની જરૂરિઆત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ચારિત્ર્યવાન યુવા પેઢી રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરે છે. સત્યના પથ ઉપર ચાલવા, ધર્મનું આચરણ કરવા અને જીવનમાં પ્રમાણિકતાથી આગળ વધવાની શાસ્ત્રોક્ત શિક્ષા રાજ્યપાલે વિદ્યાર્થીઓને આપી હતી. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code