Homerevoinewsઆણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કોદરા પાક સંદર્ભે એક દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમ...

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કોદરા પાક સંદર્ભે એક દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમ યોજાયો

દાહોદ, 21 ઓગસ્ટ, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુરુવારે કોદરા પાક સંદર્ભે એક દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમ યોજાયો હતો. ચોમાસું ઋતુ દરમ્યાન દાહોદ જીલ્લાના જુદા જુદા ગામોના ખેડૂત મિત્રો કોદરા પાકનું મોટા ભાગે કઠોળ સાથે મિશ્ર પાક તરીકે વાવેતર કરતા હોય છે.

85 ખેડૂતો સહભાગી થયા

દાહોદ જીલ્લામાં ચોમાસું ઋતુ દરમ્યાન કોદરા પાકનો વ્યાપ, ઉત્પાદન વધારવા તથા ખેડૂતોની આવકમાં વધારો થાય અને કેન્દ્ર ખાતેથી બહાર પાડવામાં આવેલી કોદરા પાકની સંશોધિત જાતો ખેડૂતોમાં વધુને વધુ પ્રચલિત થાય તે  હેતુસર આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્‍દ્ર, મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે તારીખ: ૨૦/૦૮/૨૦૨૬ના રોજ યોજાયેલા “કોદરા પાકના એક દિવસીય ફિલ્ડ ડે” કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના આંબલી, વડલા અને છરછોડા ગામના કુલ 85 ખેડૂતો હાજર રહ્યા હતા.

Anand Agricultural University organized a one-day field day program regarding Kodra crop.
Anand Agricultural University organized a one-day field day program regarding Kodra crop.

વરિષ્ઠ કૃષિ વિજ્ઞાનીઓએ ખેડૂતોને માહિતગાર કર્યા

આ પ્રસંગે કૃષિ સંશોધન કેન્‍દ્ર, આકૃયુ, મુવાલિયા ફાર્મ, દાહોદના યુનિટ વડા અને સહ સંશોધન વિજ્ઞાનીશ્રી, ડૉ. એચ. કે. પરમાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂતોમિત્રોને આવકાર્યા તથા કોદરા પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને આદર્શ ઢબે બીજ ઉત્પાદન વિશે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા. ડૉ. બી. જે. સંગાડા, વરિષ્ઠ વિજ્ઞાનીશ્રી અને વડા, કે.વી.કે, દાહોદએ વિવિધ વિસ્તરણની પ્રવૃત્તિ વિશે ખેડૂતોને અવગત કર્યા હતા.

ડૉ. એમ. એમ. પંડ્યા, મદદનીશ સંશોધન વિજ્ઞાની, કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદે કોદરા પાકની નવીનતમ જાતો અને તેની લાક્ષણિક્તાઓ વિશે ખેડૂતોને પ્રત્યક્ષ માહિતી આપી. ડૉ. જી. એમ. વાઘેલા, મદદનીશ સંશોધન વિજ્ઞાની, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદ દ્વારા કોદરા પાકનું ખાતર અને પિયત વ્યવસ્થાપન વિશે ખેડૂતોને સમજણ આપી. અત્રેના કેન્દ્રના ખેતી અધિકારી, ડૉ.  એસ. બી. પારગીએ ખેડૂતોને પ્રાકૃતીક ખેતીના વિવિધ આયામો વિશે જાણકારી આપી હતી.

કોદરાના પ્રકાર અને લક્ષણો

અત્રેના કેન્દ્રના સ્ટાફ દ્વારા ખેડુૂતોને કેન્દ્ર ખાતેથી રાજ્ય કક્ષાએ ભલામણ કરેલા કોદરા પાકની ગુજરાત આણંદ કોદરા ૩, ગુજરાત કોદરા ૪ તથા રાષ્ટ્રીય કક્ષાએ સી.કે.એમ.વી. ૨ અને સી.કે.એમ.વી. ૩ જાતના પ્લોટની મુલાકાત કરાવી હતી.

ગુજરાત આણંદ કોદરા ૩ જાત પર્વતીય વિસ્તાર માટે વધુ અનુકુળ, ઢળી પડતી નથી, પ્રોટીન અને મિનરલ જેવા પોષકતત્વો વધુ માત્રામાં હોય છે. આ જાત ચોમાસું ઋતુમાં વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવી છે. આ જાત ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતી તથા આંજીયાના રોગ અને સાઠા માખી જીવાત સામે પ્રતિકારકશક્તિ ધરાવતી હોવાથી ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી થશે. આ કાર્યક્રમના અંતમાં ખેડૂત મિત્રોને અત્રેના કેન્દ્રના સ્ટાફ દ્વારા કોદરા પાકની ગુજરાત આણંદ કોદરા ૩ જાતનું બિયારણ વિતરણ કરેલ. અંતમાં ડૉ. એસ. બી. પારગી દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular