
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોને વધુ મજબૂત કરવા અન્ય 15 ટેક્નોલોજી કેન્દ્રો ઉભા કરાશે
નવી દિલ્હીઃ ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ના અવસરે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ટ્વિટર પર જાહેરાત કરી કે છેલ્લા 9 વર્ષમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત 18 ટૂલ રૂમ અને તાલીમ કેન્દ્રો દ્વારા દેશના 16 લાખ યુવાનોને 3 લાખથી વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોને લાભ આપવા માટે તાલીમ આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત ટૂલ રૂમ્સ અને ટેકનોલોજી કેન્દ્રો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ખાસ કરીને, આ ટૂલ રૂમ્સ અને ટેક્નોલોજી કેન્દ્રો તબક્કાવાર રીતે અત્યાધુનિક ઉત્પાદનોના ઉત્પાદનમાં પણ સહાય પૂરી પાડે છે.
નારાયણ રાણેએ જણાવ્યું હતું કે ભારતના આ ટૂલ રૂમ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર મધ્યમ અને નાના કદના સાધનોની ડિઝાઇન અને ઉત્પાદન કરે છે. તેનો ઉપયોગ રમતગમતના સામાન, પ્લાસ્ટિક, ઓટોમોબાઈલ, ફૂટવેર, ગ્લાસ, પરફ્યુમરી, ફાઉન્ડ્રી અને ફોર્જિંગ, ઈલેક્ટ્રોનિક્સ અને સ્પેસ સંબંધિત ઉદ્યોગોમાં થઈ રહ્યો છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે ભુવનેશ્વર ટૂલ રૂમે તાજેતરમાં લોન્ચ કરેલા ચંદ્રયાન-3 મિશન માટે 437 પ્રકારના લગભગ 54,000 એરો-સ્પેસ ઘટકોનું ઉત્પાદન કર્યું છે.
ટૂલ રૂમે કોરોના રોગચાળાના મુશ્કેલ સમયમાં PPE કિટ્સ, સેનિટાઈઝર મશીનો અને ઓક્સિજન કોન્સેન્ટ્રેટરની સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવામાં તેમજ વિદેશમાં તેમની નિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રીએ તેમના ટ્વિટ દ્વારા જણાવ્યું છે કે દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોને વધુ મજબૂત કરવા માટે 15 અન્ય ટેક્નોલોજી કેન્દ્રો પણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.