1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દ્વારકાના દરિયાકાંઠેથી ફરી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાયો
દ્વારકાના દરિયાકાંઠેથી ફરી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાયો

દ્વારકાના દરિયાકાંઠેથી ફરી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાયો

0
Social Share

રાજકોટ, 16 મે 2026: ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ અને નશાના સોદાગરો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો હોય તેવા સંકેતો ફરી એકવાર મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી અવારનવાર માદક પદાર્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં વધુ એક કડી ઉમેરાઈ છે. જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) પોલીસને પેટ્રોલિંગ દરમિયાન રૂપેણ બંદર નજીકથી લાખોની કિંમતનો ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

મળતી વિગતો મુજબ, દ્વારકા એસઓજી પોલીસની ટીમ દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સર્ચ ઓપરેશન અને સઘન પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન રૂપેણ બંદર વિસ્તારમાં એક શંકાસ્પદ પેકેટ લાવારીસ હાલતમાં પડેલું મળી આવ્યું હતું. પોલીસે સ્થાનિક પંચોની હાજરીમાં આ પેકેટ ખોલીને તપાસ કરતા તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું ચરસ મળી આવ્યું હતું. એફએસએલની પ્રાથમિક તપાસમાં આ જથ્થો આશરે 1230 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ. 61.50 આંકવામાં આવી રહી છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓના મતે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અને સ્થાનિક એજન્સીઓ દ્વારા દરિયામાં કડક વોચ રાખવામાં આવી રહી છે. દરિયાકાંઠે પોલીસની સતત અવરજવર અને કડક સુરક્ષા જોઈને પકડાઈ જવાના ડરથી કોઈ અજાણ્યો ડ્રગ પેડલર કે સ્મગલર આ કરોડોની કિંમતનો માદક પદાર્થ અહીં જ છોડીને પલાયન થઈ ગયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

આ મામલે દ્વારકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ નશીલો જથ્થો દરિયાઈ માર્ગે ક્યાંથી ઘુસાડવામાં આવ્યો હતો અને સ્થાનિક સ્તરે આ કન્સાઈનમેન્ટ કોણ રિસીવ કરવાનું હતું, તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગુનાના મૂળ સુધી પહોંચવા માટે રૂપેણ બંદર આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને સ્થાનિક બાતમીદારોની પણ મદદ લેવાઈ રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલિંગ વધુ સઘન બનાવી દીધું છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: મોતનો બ્રિજ બનેલા બલોલનગર બ્રિજ પર આખરે પ્રોટેક્શન ગ્રિલ લગાવાઈ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code