1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 58 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા
ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 58 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા

ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 58 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા

0
Social Share

દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં 7.12 લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ સર્જાયો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 59 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા 3.70 લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વેપાર-ઉદ્યોગના ગ્લોબલ મેપ પર ગુજરાતને અગ્રેસર બનાવવાના ઉદ્દેશ્યથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે 2003થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની 10મી કડી તા. 10 થી 12 જાન્યુઆરી 2024માં યોજાવાની છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એક નવતર અભિગમ અપનાવીને આ વાઇબ્રન્ટ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે દર સપ્તાહે પ્રતિ બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને મંત્રીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગો સાથે MoU કરવાનો ઉપક્રમ રાજ્ય સરકારે હાથ ધરેલો છે. તદઅનુસાર, અત્યાર સુધીમાં 16 સિરીઝમાં 177 MoU દ્વારા 3.14 લાખ કરોડ રૂપિયાનું સૂચિત રોકાણ અને તેના થકી 9.19 લાખ જેટલી રોજગારીની તકો પ્રાપ્ત થવાની છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતિમાં આ બુધવાર તા. 3જી જાન્યુઆરીએ આવા MoU સિરિઝની 17મી કડીમાં એક જ દિવસમાં રૂ. 7.17 લાખ કરોડના સંભવિત રોકાણો માટેના 58 પ્રોજેક્ટ્સના MoU એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આના પરિણામે ભવિષ્યમાં 3.70 લાખ  સંભવિત રોજગારીની તકો ઊભી થશે. આ બુધવારે થયેલા 58 MoUમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર સાહસો NTPC, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ, ONGC, HPCL, IOCL તથા રાજ્ય સરકારના સાહસો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન દ્વારા પણ MoU કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રતિષ્ઠિત અને અગ્રણી ઉદ્યોગ ગૃહોએ પણ ક્ષેત્રોમાં રોકાણોના MoU કર્યા હતા.

અત્યાર સુધીમાં આમ કુલ 17 કડીમાં સમગ્રતયા વિવિધ 234 MoU કરવામાં આવ્યા છે. તેના દ્વારા  સંભવિત 10,31,250 કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ અને 13 લાખથી વધુ રોજગારી સર્જનની તકો ઊભી થવાનો અંદાજ છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, MoU જે સેક્ટરમાં સંભવિત રોકાણો માટે થયા છે, તેમાં ઈલેક્ટ્રિક વ્હીકલ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ, બાયોટેકનોલોજી, સિમેન્ટ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, પોર્ટ્સ, એજ્યુકેશન, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ, ઈન્ડસ્ટ્રિયલ પાર્ક, આઈ.ટી.-આઈટીઈએસ, લોજિસ્ટિક્સ, ઓઈલ એન્ડ ગેસ, પેકેજિંગ, પ્લાસ્ટિક, પાવર, ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલ એનર્જી, ટેક્ષટાઈલ અને એપેરલ્સ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન, શહેરી વિકાસ જેવા ઘણા નિર્ણાયક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code