
ગુજરાતમાં નવી શિક્ષણ નિતીના ભાગરૂપે પા..પા..પગલી પ્રોજેકટનું અમલીરણ કરાશે
ગાંધીનગરઃ નવી શિક્ષણ નીતિના ભાગરૂપે રાજ્યના મહિલા બાળ વિકાસ કમિશનર કચેરી દ્વારા આંગણવાડીના બાળકો માટે પા પા પગલી પ્રોજેકટ અમલ કરવા જઈ રહી છે. જેના આધારે આંગણવાડીનું ગ્રેડેશન નિયત કરવામાં આવશે. રાજ્યના મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ વખતના બજેટમાં મહિલા બાળ વિકાસ કમિશનર કચેરી દ્વારા પા.. પા.. પગલી પ્રોજેકટનું અમલીકરણ કરાશે. આ પ્રોજેકટ અંતર્ગત જ આંગણવાડીઓનું ગ્રેડીગ હાથ ધરવામાં આવશે. આ માટે આઉટસોસિગથી એજન્સી દ્વારા કર્મયોગીની ભરતી કરવા રાજ્યના મહિલા બાલ વિકાસ કમિશ્નર કચેરી એ સૂચનાઓ આપી છે. આ કર્મયોગીઓને ફિકસ વેતનથી રાખવામાં આવશે. આ તમામ કર્મયોગીઓને આઉટસોસિગ એજન્સી નાણાંની ચુકવણી કરશે.
રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોમાં ત્રણથી પાંચ વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તે હેતુસર નવી શિક્ષણ નીતિમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં આંગણવાડીના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે આ માટેના આંગણવાડી કાર્યકરોને માટે ખાસ તાલીમ કોર્ષ પણ નિયત કરી દેવાયો છે આ કોર્સ જીસીઆરટી દ્વારા કરાવવામાં આવશે. આંગણવાડી કેન્દ્રો પર દર ત્રીજા મંગળવારે બાળ દિવસ ની ઊજવણી કરવામાં આવશે આંગણવાડીમાં આવતાં ત્રણ થી છ વર્ષના ભૂલકાઓના ડેવલપમેન્ટ એસેસમેન્ટ કરાશે જેના આધારે આંગણવાડીઓને ગ્રેડિંગ અને આંગણવાડી અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ મુજબ આંગણવાડીના બાળકો નો બાલવાટિકા ના શિક્ષણ માટેની તૈયારી સાથે શાળા પ્રવેશ થશે જેથી પ્રાથમિક શિક્ષણ સ્તર પણ સુધરી જશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે