નવી દિલ્હીઃ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે નાણાકીય મદદ માંગવા પર પાકિસ્તાનને ભારત પાસેથી શીખવાની સલાહ આપી છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબાર અનુસાર, પાકિસ્તાને શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા અને શાળાએ ન જતા બાળકોને શિક્ષણ આપવા માટે આર્થિક મદદ માંગી હતી. મદદ કરવાને બદલે, મનીલા સ્થિત બેંકે પાકિસ્તાનને તેના દેશના નબળા શિક્ષણને સુધારવા અને તેના નાગરિકોને ગુણવત્તાયુક્ત તાલીમ આપવા માટે ભારતની ઉલ્લાસ યોજના અપનાવવાની સલાહ આપી છે.
ADB એ ભલામણ કરી છે કે, પાકિસ્તાન સરકાર વ્યૂહાત્મક રીતે તમામને ફાયદો પહોંચાડવાના પ્રયાસો કરે છે ભારત સરકારની નવી શરૂ કરેલી ULAS યોજના જેવી આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિઓનો અમલ કરે. ADBએ પાકિસ્તાનને કહ્યું કે ભારત સરકારની ULAS યોજના ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચને વિસ્તૃત કરવા માટે કેન્દ્ર અને પ્રાંતીય સરકારો દ્વારા તાત્કાલિક સહયોગની જરૂરિયાત પર ભાર મૂકે છે.
બેંકે કહ્યું કે આ યોજના પાકિસ્તાનમાં સમાન યોજનાને લાગુ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે તે સફળતાઓ અને પડકારો વિશે મહત્વપૂર્ણ પાઠ પ્રદાન કરી શકે છે. ADBની આ ભલામણ તેના પ્રમુખ મસાત્સુગુ અસાકાવાના પાકિસ્તાન પ્રવાસના થોડા દિવસો પહેલા જ આવી છે.
પાકિસ્તાનમાં તાજેતરમાં કરવામાં આવેલા એક આર્થિક સર્વેમાં સામે આવ્યું છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. સ્થિતિ એવી છે કે દેશના 74 ટકા લોકો તેમના માસિક ખર્ચને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે ગયા વર્ષની સરખામણીમાં 14 ટકા વધુ છે. પાકિસ્તાનમાં, સામાન્ય લોકો તેમના ખર્ચાઓને પહોંચી વળવા માટે પૈસા ઉછીના લેવા માટે મજબૂર છે અથવા પાર્ટ-ટાઇમ નોકરી કરવા માટે મજબૂર છે. સરકારે આર્થિક યોજના તૈયાર કરી છે, પરંતુ વધતું દેવું પાકિસ્તાન માટે માથાનો દુખાવો વધારી રહ્યું છે.

