નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા કબડ્ડી ટીમે પોતાની શ્રેષ્ઠતા અને દબદબો ફરી એકવાર સાબિત કર્યો છે. શનિવારે રમાયેલી રોમાંચક ફાઈનલ મેચમાં ભારતે ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ જીત સાથે ભારતે 2018ની એશિયન ગેમ્સની ફાઈનલમાં ઈરાન સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમનો એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ ચોથો ગોલ્ડ મેડલ છે, જ્યારે ઈરાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. આ સ્પર્ધામાં તાઈવાન અને નેપાળે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
જાપાનના આઈચી-નાગોયા ખાતે 26 સપ્ટેમ્બરે ભારતીય રમતવીરો માટે દિવસની શરૂઆત ઉત્સાહજનક રહી હતી. દિવસની શરૂઆતમાં મેરેથોનમાં સાવન બરવાલે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે મહિલા રાઈફલ ૩ પોઝિશનની ટીમ ઈવેન્ટમાં પણ ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સફળ શરૂઆતને મહિલા કબડ્ડી ટીમે સ્વર્ણિમ સિદ્ધિમાં બદલી નાખી હતી. મેચના પ્રથમ હાફથી જ ભારતીય ટીમે આક્રમક રમત દાખવીને ઈરાન પર દબાણ બનાવી રાખ્યું હતું અને ૨૨-૧૬ની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી હતી. પ્રથમ હાફમાં ભારતે ઈરાન સામે એક શાનદાર સુપર-રેડ કરી હતી અને ત્યારબાદ વિરોધી ટીમને ઓલ-આઉટ કરીને પોઈન્ટ્સનું અંતર વધારી દીધું હતું.
બીજા હાફમાં ઈરાનની ટીમે વાપસી કરવાનો મજબૂત પ્રયાસ કર્યો હતો. ઈરાને ભારતીય ટીમને ઓલ-આઉટ કરીને સ્કોર સરભર કરવાના પ્રયાસો કર્યા હતા. બીજા હાફમાં ઈરાને 18 પોઈન્ટ્સ મેળવ્યા હતા, જ્યારે ભારતને ૧૫ પોઈન્ટ્સ મળ્યા હતા. જોકે, પ્રથમ હાફમાં મેળવેલી મજબૂત સરસાઈ અને ઈરાની ટીમે કરેલી કેટલીક ભૂલોનો લાભ ભારતને મળ્યો હતો. અંતે ભારતીય ટીમે મેચ જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો.
-
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમનો સુવર્ણ ઈતિહાસ
એશિયન ગેમ્સમાં 2010 થી મહિલા કબડ્ડી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધી રમાયેલી 5 એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતે પ્રવેશ કર્યો છે. 2018ની જાકારતા એશિયન ગેમ્સની ફાઈનલમાં ઈરાન સામે ભારતે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 8વર્ષ બાદ ભારતીય ટીમે તે હારનો હિસાબ બરાબર કરીને એશિયન ગેમ્સમાં સતત બીજો અને કુલ ચોથો ગોલ્ડ મેડલ જીતીને પોતાનું વર્ચસ્વ પુનઃસ્થાપિત કર્યું છે.


