Site icon Revoi.in

દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે અતિશી, ‘આપ’ના ધારાસભ્યદળની બેઠકમાં પસંદગી

Social Share

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં અરવિંદ કેજરિવાલના જામીન બાદ રવિવારે 48 કલાકની અંદર સીએમ પદ ઉપર અરવિંદ કેજરિવાલે રાજીનામું આપવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો હતો. તેમજ દિલ્હીના નવા સીએમ કોણ બનશે તેને વિવિધ અટકળો વહેતી થઈ હતી. જો કે, તમામ અટકળો ઉપર આજે પૂર્ણ વિરામ લાગી ગયો છે. આતિશીને આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેથી તે હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. આતિશી સાંજે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને સરકાર બનાવવાનો દાવો કરશે.

વિધાયક દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલે મંત્રી આતિશીને તેમના સ્થાને આગામી મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને AAP ધારાસભ્યોએ સર્વસંમતિથી સ્વીકારી લીધો હતો. આ બેઠક 20 થી 25 મિનિટ સુધી ચાલી હતી. દિલ્હીના મોડલ ટાઉનથી AAP ધારાસભ્ય અખિલેશ પાટી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “તમામ ધારાસભ્યો બેઠા હતા અને બધા સાથે વાતચીત શરૂ થઈ હતી.” તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે પ્રસ્તાવ મૂક્યો કે, તેમને અરવિંદ કેજરીવાલમાં વિશ્વાસ છે, આગામી મુખ્યમંત્રી પસંદ કરવાનો અધિકાર અરવિંદ કેજરીવાલને છે, અમે બધાએ નિર્ણય કર્યો અને કહ્યું કે અમે અમારા મૃત્યુ સુધી સાથે રહીશું. તમે (અરવિંદ કેજરીવાલ) જે પણ નિર્ણય લો તે સ્વીકાર્ય છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે પ્રસ્તાવ મૂક્યો. માલવીયા નગરના AAP ધારાસભ્ય સોમનાથ ભારતીએ પણ આવો જ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “દરેક વ્યક્તિ અરવિંદ કેજરીવાલના પ્રસ્તાવ સાથે સંમત થયા.”

વિધાયક દળની બેઠક બાદ AAP નેતા ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આગામી ચૂંટણી સુધી મુખ્યમંત્રીની જવાબદારી આતિશીને આપવામાં આવી છે. અમે ઈચ્છીએ છીએ કે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય. આતિશી AAPનો મુખ્ય ચહેરો છે. તેમની પાસે નાણાં, શિક્ષણ અને PWD (પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ) સહિત ઘણા વિભાગોનો હવાલો છે.