1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આતંકી સંગઠન સાથે જોડાયાના ઈનપુટ મળતા ATS દ્વારા મહિલા સહિત 6 શખસોની ગોધરાથી અટકાયત,
આતંકી સંગઠન સાથે જોડાયાના ઈનપુટ મળતા ATS  દ્વારા મહિલા સહિત 6 શખસોની ગોધરાથી અટકાયત,

આતંકી સંગઠન સાથે જોડાયાના ઈનપુટ મળતા ATS દ્વારા મહિલા સહિત 6 શખસોની ગોધરાથી અટકાયત,

0
Social Share

અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્વોર્ડ્સ( ATS)એ કેન્દ્રિય એજન્સીઓ દ્વારા મળેલા ઈનપુટને આધારે ગોધરાથી મહિલા સહિત 6 શખસોની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા તમામ શખસો આતંકી સંગઠન ISKP સાથે જોડાયેલા હોવાની માહિતીના આધારે પૂછતાછ કરવામાં આવી રહી છે.

એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ફરી એક વખત આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ એક્ટિવ હોવાના ઈનપુટ  કેન્દ્રિય એજન્સી અને સેન્ટ્રલ આઈબી દ્વારા મળતા આ સંદર્ભે સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યુ હતું. પોરબંદર, સુરત બાદ ગોધરામાં છ શકમંદ આ સંગઠન સાથે સક્રિય હોય તેવી શંકાના આધારે ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા તેમની અટકાયત કરીને અમદાવાદની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. બીજી તરફ એટીએસના સૂત્રોના કહેવા મુજબ  ઇનપુટના આધારે કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને ગોધરામાં તપાસ કરવામાં આવી હતી. સેન્ટ્રલ એજન્સી અને ઇનપુટના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

એટીએસના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને સેન્ટ્રલ આઈબીના ઇનપુટ્સના આધારે ISKP ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશનના કેટલાક લોકો ગુજરાતમાં એક્ટિવ હોવાથી માહિતી મળી હતી. આ સંદર્ભે તપાસ ચાલી રહી છે ત્યારે વધુ એક ઇનપુટ ગુજરાત પોલીસને મળ્યા હતા. જેમાં આતંકી સંગઠન માટે મદદ કરતા અથવા તેની વિચારધારા અને સમર્થન કરતા લોકોની માહિતી હતી. જેના આધારે ગુજરાતી એટીએસના અધિકારીઓએ ગોધરા ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ દરમિયાન છ લોકોની અટકાયત કરીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. જેમાં પાંચ જેટલા લોકો શકમંદ છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.. ટૂંક સમયમા સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

અગાઉ જૂન 2023માં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતી એક મહિલા સુરતથી ઝડપાઈ હતી. આ મુસ્લિમ મહિલાને લાલગેટ વિસ્તારમાંથી ATS દ્વારા સુરત પોલીસની મદદથી ઝડપી લેવામાં આવી હતી અને તેને પોરબંદર લઈ જવાઈ હતી. ISKP સાથે કનેક્શન ધરાવતી મહિલાનો પરિવાર ભરૂચનો છે, લગ્ન તામિલનાડુમાં કર્યાં છે અને બે સંતાનની માતા પણ છે. જોકે મહિલા સુરત તેના પરિવારને મળવા આવી હતી, જેની જાણ ATSને થતાં રાત્રે ધરપકડ કરી હતી. મહિલા પાસેથી ISKPનાં રેડિકલ પ્રકાશનો મળ્યાં હતાં. ગુજરાત ATS દ્વારા અગાઉ પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલા ત્રણની અટકાયત કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી સુમેરા નામની એક મહિલા પણ તેમની સાથે સંપર્કમાં છે, જેને આધારે ATSની ટીમ સુરત આવી હતી અને સુરત પોલીસને સાથે રાખીને એ મહિલાની અટકાયત કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે. કે, ISKP એ કુખ્યાત આતંકવાદી સંગઠન ISISની જ એક શાખા છે. ISISનો અર્થ ઇસ્લામિક સ્ટેટ ફોર ઇરાક એન્ડ સીરિયા એવો થાય છે. ISIS તો દુનિયાભરમાં તેની કરતૂતોના કારણે કુખ્યાત છે. દુનિયાના અનેક ભાગોમાં આતંક મચાવ્યા બાદ ISISએ હવે શાખાઓ શરૂ કરવા માંડી છે. ISIS મધ્ય-પૂર્વના દેશોમાં વધુ સક્રિય છે પણ પોતાનો વિસ્તાર વધારવા માટે અને અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વર્ચસ્વ જમાવવા માટે ISKPની સ્થાપના કરી હતી. ISKPનો અર્થ ઇસ્લામિક સ્ટેટ ફોર ખુરાસાન પ્રોવિન્સ. અહીં ખુરાસાન એટલે અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાનને આવરી લેતો વિસ્તાર. દુનિયાના નકશા પર હાલ તેનું અસ્તિત્વ નથી, જોકે હાલ આ નામનો એક પ્રાંત ઈરાનમાં આવેલો છે, પણ વર્ષો પહેલાં આ આખો વિસ્તાર ‘ખુરાસાન’ નામે ઓળખાતો. આતંકી સંગઠન આ સમગ્ર વિસ્તાર પર કબજો જમાવવા માગે છે એટલે આવું નામ રાખ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code