અયોધ્યા, 23 સપ્ટેમ્બર 2026: અયોધ્યાના પ્રસિદ્ધ શ્રીરામ જન્મભૂમિ મંદિરના દાનપાત્રમાંથી રકમ ચોરી કરવાના ચર્ચાસ્પદ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા તમામ 8 આરોપીઓ વિરુદ્ધ બુધવારે સવારે અદાલતમાં ચાર્જશીટરજૂ કરી દીધી છે. સમયસર ચાર્જશીટ દાખલ થઈ જવાથી હવે આરોપીઓને ડિફોલ્ટ જામીન મળવાની તમામ શક્યતાઓ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં બંધ આ કેસના આરોપીઓની જેલમાંથી બહાર આવવાની આશા પર હવે પાણી ફરી વળ્યું છે.
આ કેસની સુનાવણી કરી રહેલી સ્પેશિયલ કોર્ટે અગાઉ જ આરોપી અનુકલ્પ મિશ્રા, કરુણેશ પાંડે અને લવકુશ મિશ્રાની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. ત્યારબાદ કોર્ટે સોમવારે અન્ય ત્રણ આરોપીઓ અવિનાશ શુક્લા, રમાશંકર મિશ્રા અને મનીષ યાદવની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. જ્યારે બાકી બચેલા બે આરોપીઓ રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ અને સુભાષચંદ્ર શ્રીવાસ્તવની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિરમાં દાનમાં આવતી રકમની ચોરીનો આ મામલો સમગ્ર દેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ શ્રદ્ધાળુઓની ભીડનો ગેરલાભ ઉઠાવીને બેંકના કર્મચારીઓ અને મંદિરના જ કેટલાક સ્ટાફ મેમ્બર્સની મિલીભગતથી દાનપાત્રમાંથી ભક્તિભાવપૂર્વક અર્પણ કરાયેલી રકમની ચોરી કરતા હતા.
જૂન મહિનામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી બાદ ઉત્તર પ્રદેશ સરકારે આ ગંભીર મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. એસઆઈટીની તપાસ બાદ 8 નામાંકિત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ વિગતો અને પુરાવાઓ એકત્ર કરીને સમયમર્યાદામાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે, જેથી કાનૂની ગાળીયો મજબૂત બની શકે.


