Homeગુજરાતીદેશ-વિદેશજમ્મુ-કાશ્મીરના રામબનમાં બે પોલીસ કર્મચારીઓની લાશ મળી, પોલીસ તંત્ર દોડતુ થયું

જમ્મુ-કાશ્મીરના રામબનમાં બે પોલીસ કર્મચારીઓની લાશ મળી, પોલીસ તંત્ર દોડતુ થયું

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના બટોટ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સના રોડ પર આવેલા ઝિયાત મોડ પાસે પાર્ક કરેલી એક કારમાંથી બે પોલીસકર્મીઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી બંનેને તુરંત જ જિલ્લા હોસ્પિટલ રામબન ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડૉક્ટરોએ તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. એકસાથે બે પોલીસકર્મીઓના રહસ્યમય સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તાર સહિત પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, રહસ્યમય સંજોગોમાં જીવ ગુમાવનારા બંને જવાનો જિલ્લા પોલીસ લાઇન રામબન ખાતે ફરજ બજાવતા હતા. આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ ફરીદ અહમદ (રહે, ભટ્ટી, રામબન) અને સિલેક્શન ગ્રેટ કોન્સ્ટેબલ મોહમ્મદ યાકુબ (રહે, જટગલી, રામબન)ના મૃત્યુ થયાં હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે આશરે ૮:૩૦ વાગ્યાના સુમારે સ્થાનિક લોકોએ ઝિયાત મોડ નજીક ઊભેલી ફિયાટ કારમાં બે લોકોને અચેતન અવસ્થામાં જોયા હતા. લોકોએ તુરંત જ પોલીસને જાણ કરી બંનેને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલે પહોંચાડ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રામબનના એસએસપી અરુણ ગુપ્તા અને હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ તુરંત જ હોસ્પિટલ દોડી ગયા હતા.

ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે મોતનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે આ મામલે ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. બંને જવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને અન્ય કાનૂની પ્રક્રિયાઓ માટે જિલ્લા હોસ્પિટલના મોર્ચેરી રૂમમાં રાખવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમ અને પોલીસે જે કારમાંથી જવાનો મળ્યા હતા તે કારની પણ વિગતવાર તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાછળનું સાચું કારણ જાણી શકાશે.

  • પરિવાર અને વિસ્તારમાં શોકનું મોજું

ઘટનાની જાણ થતાં જ મૃતક પોલીસકર્મીઓના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના ક્રંદનથી ગમગીન માહોલ સર્જાયો હતો. કાનૂની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ બંને જવાનોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે, ત્યારબાદ તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એકસાથે બે જવાનોના આકસ્મિક અવસાનથી સમગ્ર રામબન જિલ્લામાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular