અયોધ્યા રામ મંદિર વિવાદ: દાનપાત્રમાંથી ચોરી મામલે ટિન્નુ સહિત 8 આરોપીઓની ધરપકડ
અયોધ્યા, 26 જૂન 2026: અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરના દાનપાત્રમાંથી પૈસાની ચોરી અને જમીનની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારના મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. આ કેસમાં કડક કાર્યવાહી કરતા અયોધ્યા પોલીસે મુખ્ય આરોપી ‘ટિન્નુ’ સહિત તમામ 8 આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળે છે. આ પહેલા તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં હતા અને તેમની પૂછપરછ ચાલી રહી હતી. બીજી તરફ, વિપક્ષી પક્ષોએ આ મામલે રામ મંદિર ટ્રસ્ટ અને ભાજપ સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે.
રામ મંદિર દાનપાત્રમાંથી ચોરી અંગે નોંધાયેલી એફઆઈઆર પર સમાજવાદી પાર્ટીના પૂર્વ મંત્રી તેજ નારાયણ પાંડે (પવન પાંડે) એ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપ લગાવ્યો કે, “કૃષ્ણ મોહન નામના વ્યક્તિ ઘણા દિવસો પછી કુંભકર્ણની ઊંઘમાંથી જાગ્યા અને અચાનક તેમને ભાન થયું કે રામ મંદિરમાં લૂંટ થઈ રહી છે.”
તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે રામ મંદિર સાથે જોડાયેલા દરેક નાના-મોટા મુદ્દા પર બોલનારા ચંપત રાયે પોતે કેમ ફરિયાદ ન કરાવી? નાના કર્મચારીઓને ફસાવીને મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે મહિપાલ સિંહે ચોરી અંગે અગાઉ જાણ કરી હતી, ત્યારે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલજી રાવ કેમ ન જાગ્યા? અનિલ મિશ્રા 40% કમિશન લેતા હોવાના દીનાનાથ મિશ્રાના આક્ષેપો છતાં કોઈ કાર્યવાહી કેમ ન થઈ? આજે જનતા જાણી ગઈ છે કે આ ચોરી ટ્રસ્ટના સંરક્ષણમાં જ થઈ છે અને કરોડો ભક્તોની આસ્થા સાથે ખિલવાડ થયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં આ કેસની તપાસ માત્ર ફરિયાદીની ફરિયાદના આધારે જ ચાલી રહી છે. અયોધ્યા પોલીસને હજુ સુધી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો સત્તાવાર રિપોર્ટ મળ્યો નથી. આ રિપોર્ટ મળ્યા બાદ તપાસમાં ઘણા મોટા નામો સામેલ થઈ શકે છે. હાલમાં પોલીસ તમામ આરોપીઓના નિવેદનો નોંધી રહી છે અને તેમની પરસ્પર ક્રોસ-વેરિફિકેશન કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, પૈસા ક્યાં ટ્રાન્સફર થયા તે જાણવા માટે પોલીસ તમામ આરોપીઓના બેંક ખાતાઓની પણ ઝીણવટભરી તપાસ કરશે. જેમ-જેમ નવા તથ્યો સામે આવશે, તેમ તપાસનો વ્યાપ વધારવામાં આવશે.
-
‘આપ’નો દાવો: સંજય સિંહે SITને પુરાવા સોંપ્યા, મોટા નેતાઓ ફસાશે
દરમિયાન, આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો છે કે રામ મંદિર સાથે જોડાયેલા જમીન કૌભાંડની તપાસ કરી રહેલી સિટને ‘આપ’ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે અત્યંત મહત્વના દસ્તાવેજો સોંપ્યા છે. આ પુરાવાઓના આધારે ચંપત રાય, અનિલ કુમાર મિશ્રા, ભાજપના પૂર્વ મેયર ઋષિકેશ ઉપાધ્યાય અને તેમના ભત્રીજા દીપ નારાયણની મુશ્કેલીઓ વધવી નક્કી છે. ‘આપ’ની પોસ્ટમાં આક્ષેપ કરાયો છે કે કરોડો રૂપિયાના જમીન કૌભાંડ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ટ્રસ્ટે કેટલાક નાના કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધાવવાનું નાટક રચ્યું છે. સંજય સિંહે ગુરુવારે સિટના ચેરમેન વિજય વિશ્વાસ પંત સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે અયોધ્યા પ્રોજેક્ટ માટે જમીન ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચારને સાબિત કરવા માટે આ પુરાવા પૂરતા છે.


