1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશ: લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જતાં 15 લોકોના મોત, 10 ઘાયલ
બાંગ્લાદેશ: લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જતાં 15 લોકોના મોત, 10 ઘાયલ

બાંગ્લાદેશ: લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જતાં 15 લોકોના મોત, 10 ઘાયલ

0
Social Share

ઢાકા, 25 મે 2026: બાંગ્લાદેશમાં સોમવારે વહેલી સવારે એક મોટો અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક અગ્રણી હાઇવે પર લોખંડના સળિયાથી ભરેલી ટ્રક પલટી જતાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ કરુણાંતિકા એવા સમયે બની જ્યારે લોકો ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ની 10 દિવસની રજાઓ ગાળવા માટે પોતાના વતન જઈ રહ્યા હતા.

સ્થાનિક ફાયર સ્ટેશનના પ્રભારી અતાઉર રહેમાને પત્રકારોને જણાવ્યું હતું કે, આ અકસ્માત જમુના બ્રિજના પૂર્વ ભાગમાં થયો હતો, જે બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમ ભાગને મધ્ય ભાગ સાથે જોડે છે. અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રકમાં લોખંડના સળિયાઓની સાથે કેટલાક મુસાફરો પણ સવાર હતા. તાંગઈલના કલિહાટી સબ-ડિસ્ટ્રિક્ટમાં ચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવી દેતાં ટ્રક હાઇવે પર જ પલટી ગઈ હતી.

તાંગઈલના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ફૌઝિયા હબીબ ખાને જણાવ્યું કે, આ ટ્રક ચટ્ટોગ્રામના દક્ષિણ-પૂર્વ બંદર શહેરથી ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર તરફ જઈ રહી હતી. ઈદના તહેવારને કારણે બજારો અને રસ્તાઓ પર ભારે ભીડ હોવાથી પીડિતો રસ્તામાં અલગ-અલગ જગ્યાએથી ટ્રકમાં સવાર થયા હોવાની આશંકા છે. બાંગ્લાદેશમાં સોમવારથી ઈદ-ઉલ-અઝહાની 10 દિવસની રજાઓ શરૂ થઈ છે. લોકો તહેવાર માટે પોતાના ઘરે જઈ રહ્યા હોવાથી બસો, ટ્રેનો અને બોટો ખચાખચ ભરેલી છે. ગરીબ લોકો અવારનવાર ઓછા ભાડાના કારણે અથવા તો નિયમિત વાહનોમાં ટિકિટ ન મળવાને કારણે જીવના જોખમે ટ્રકોમાં મુસાફરી કરતા હોય છે.

મૃત્યુ પામેલા 15 લોકોની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી

પોલીસે જણાવ્યું કે મૃત્યુ પામેલા 15 લોકોની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી અને તેમના પરિવારોનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માત મૃત્યુદર ધરાવતા દેશોમાં સામેલ છે. અહીં અકસ્માતો માટે સામાન્ય રીતે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ, ફિટનેસ વગરના વાહનો અને રસ્તાઓની ખરાબ સ્થિતિ જવાબદાર હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના 2021 ના અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં માર્ગ અકસ્માતોને કારણે દર વર્ષે આશરે 32 હજાર લોકો પોતાની જાન ગુમાવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code