1. Home
  2. ગુજરાતી
  3. ત્વચાની કાળજી લેતા પહેલા સાવધાન! આ ભૂલોથી સ્કિનને થઈ શકે છે નુકસાન
ત્વચાની કાળજી લેતા પહેલા સાવધાન! આ ભૂલોથી સ્કિનને થઈ શકે છે નુકસાન

ત્વચાની કાળજી લેતા પહેલા સાવધાન! આ ભૂલોથી સ્કિનને થઈ શકે છે નુકસાન

0
Social Share

આજના સમયમાં સ્કિન કેર રૂટિન આપણી દિનચર્યાનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. ગ્લોઇંગ અને હેલ્ધી ત્વચા મેળવવા માટે મોટાભાગના લોકો ઘરે બનાવેલા નુસખાથી લઈને બજારમાં મળતા મોંઘા ફેસ-પેકનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે દરેકની ત્વચાનો પ્રકાર (સ્કિન ટાઈપ) અલગ-અલગ હોય છે? આ જ કારણ છે કે બજારમાં મળતા કે ઘરે તૈયાર કરેલા દરેક ફેસ-પેક દરેક વ્યક્તિને માફક આવે જ તેવું જરૂરી નથી. કેટલીકવાર ખોટી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાથી ફાયદાની જગ્યાએ ત્વચાને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. આવો જાણીએ કયા લોકોએ ફેસ-પેક લગાવતી વખતે વિશેષ કાળજી રાખવી જોઈએ.

  • કોણે લોકોએ ફેસ-પેક લગાવવાથી બચવું જોઈએ?

ખીલ અને એક્નેવાળી ત્વચા: જે લોકોના ચહેરા પર અગાઉથી જ ખીલ, પિમ્પલ્સ કે એક્નેની સમસ્યા હોય તેમણે કોઈપણ ફેસ-પેક અપ્લાય કરતા પહેલા સો વાર વિચારવું જોઈએ. ખાસ કરીને એવા ફેસ-પેક જેમાં ભારે ઓઇલ કે ચીકણા તત્વો હોય, તે ત્વચાના રોમછિદ્રો (પોર્સ)ને બ્લોક કરી દે છે, જેના કારણે ખીલની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
એલર્જીની સમસ્યા ધરાવતા લોકો: જો તમને કોઈ ચોક્કસ ફળ, દૂધ, કેમિકલ કે અન્ય કોઈ ઘટકથી એલર્જી હોય, તો ફેસ-પેક બનાવતી કે ખરીદતી વખતે તેમાં વપરાયેલી સામગ્રી ચોક્કસ ચેક કરી લેવી. કોઈપણ જાતની તપાસ વગર ફેસ-પેક લગાવવાથી ચહેરા પર લાલ ચકામાં, સોજો કે ખંજવાળ ઉપડી શકે છે.
સગર્ભાવસ્થા દરમિયાન: ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન સ્ત્રીઓની ત્વચા સામાન્ય કરતાં વધુ સંવેદનશીલ બની જાય છે. આ સમયે કોઈપણ હાર્ડ કેમિકલ યુક્ત ફેસ-પેક લગાવવાનું ટાળવું જોઈએ. ડર્મેટોલોજિસ્ટ કે સ્કીન એક્સપર્ટની સલાહ લીધા વિના આવા દિવસોમાં ચહેરા પર પ્રયોગ કરવાનું ટાળવું જ હિતાવહ છે.

  • ખોટો ફેસ-પેક લગાવવાથી ત્વચાને થઈ શકે છે આ નુકસાન

ત્વચાની પ્રકૃતિ વિરુદ્ધ કે એલર્જીક ફેસ-પેક લગાવવાથી ચહેરો લાલ થઈ જવો, અસહ્ય બળતરા થવી અને ખંજવાળ આવવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઘણીવાર ચહેરા પર નાના-નાના દાણા પણ ઉપસી આવે છે. કેટલાક લોકોને ફેસ-પેક સૂકાયા બાદ કાઢતી વખતે ત્વચા ખૂબ જ ડ્રાય અથવા ખેંચાયેલી અનુભવાય છે. જો પેકમાં રહેલા તત્વોથી કોઈ એલર્જી હોય, તો ચહેરા પર સોજો આવવાનું જોખમ પણ રહેલું છે.

  • ફેસ-પેક લગાવતી વખતે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો

પેચ ટેસ્ટ ચોક્કસ કરો: કોઈપણ નવો ફેસ-પેક સીધો ચહેરા પર લગાવવાને બદલે હાથ પર કે કાનની પાછળ લગાવીને ૧૫-૨૦ મિનિટ રાહ જુઓ. જો કોઈ એલર્જી કે બળતરા ન થાય, તો જ તેનો ચહેરા પર ઉપયોગ કરો.
સમયનું ધ્યાન રાખો: ફેસ-પેકને ચહેરા પર લાંબા સમય સુધી સૂકવવા ન દેવો. વધુ પડતો સમય રાખવાથી ત્વચાની કુદરતી ભેજ છીનવાઈ જાય છે અને સ્કિન ડ્રાય થઈ જાય છે.
ત્વચાના પ્રકારને ઓળખો: તમારી સ્કિન ઓઈલી છે કે ડ્રાય, તે મુજબ જ પ્રોડક્ટ પસંદ કરો. જો ત્વચાને લગતી કોઈ જૂની કે ગંભીર સમસ્યા હોય, તો કોઈ સારા સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવાનું ક્યારેય ન ભૂલતા.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code