Homeગુજરાતીદેશની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓનો ભરાવો: NCRBના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

દેશની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓનો ભરાવો: NCRBના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2026: દેશની જેલોમાં વધતી ભીડભાડ અને ઓવરક્રોડિંગ ગંભીર સમસ્યા બની રહી છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના અહેવાલ મુજબ, ભારતની જેલો તેમની નિર્ધારિત ક્ષમતા કરતા 112.7 ટકા વધુ કેદીઓથી ભરાયેલી છે. દેશભરની 609 જેલોમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ બંધ છે, જેમાં દિલ્હી દેશનું સૌથી વધુ ઓવરક્રોડેડ કેન્દ્રશાસિત પ્રદેશ સાબિત થયું છે.

રાજ્યસભામાં એક લેખિત જવાબ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી બંડી સંજય કુમારે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર 2024 સુધી દેશભરની જેલોની કુલ સ્વીકૃત ક્ષમતા 4,53,769 કેદીઓની હતી, જેની સામે વાસ્તવમાં 5,11,542 કેદીઓ જેલોમાં બંધ છે. એટલે કે ક્ષમતા કરતા 57,773 કેદીઓ વધુ છે. દિલ્હીની જેલમાં 10,026ની ક્ષમતા સામે 19,512 કેદીઓ (194.6 ટકા), મેઘાલયમાં 860ની ક્ષમતા સામે 1,406 કેદીઓ (163.5 ટકા), જમ્મુ-કાશ્મીરમાં 3,629ની ક્ષમતા સામે 5,383 કેદીઓ (148.3 ટકા), મધ્યપ્રદેશમાં 30,644ની ક્ષમતા સામે 45,092 કેદીઓ (147.1 ટકા), મહારાષ્ટ્રમાં 27,110ની ક્ષમતા સામે 39,003 કેદીઓ (143.9 ટકા), કેરળમાં 7,823ની ક્ષમતા સામે 10,307 કેદીઓ (131.8 ટકા), પંજાબમાં 26,543ની ક્ષમતા સામે 30,663 કેદીઓ (115.5 ટકા) અને ઉત્તર પ્રદેશની જેલોમાં 76,162ની ક્ષમતા સામે 86,762 કેદીઓ (113.9 ટકા) બંધ છે.

  • લાખો અંડરટ્રાયલ કેદીઓ જેલમાં કેદ

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 31 ડિસેમ્બર 2024 સુધીમાં દેશભરની જેલોમાં 3,71,440 અંડરટ્રાયલ (વિચારાધીન) કેદીઓ જેલની સજા કાપી રહ્યા છે. તેમાંથી 968 કેદીઓ નવા કાયદા (BNSS) ની કલમ 479 અથવા જૂની CrPC ની કલમ 436એ હેઠળ મુક્ત થવા માટે પાત્ર હોવા છતાં, વર્ષ 2024 દરમિયાન માત્ર 627 કેદીઓને જ મુક્ત કરવામાં આવ્યા છે. પાત્ર હોવા છતાં બાકીના કેદીઓની મુક્તિમાં કેમ વિલંબ થયો તે અંગે રાજ્ય સરકારો દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કોઈ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી.

  • જેલ વ્યવસ્થા અને આધુનિકીકરણ માટે સરકારના પગલાં

ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, જેલ પ્રશાસન અને કેદીઓનું સંચાલન જે તે રાજ્યનો વિષય હોવાથી, જેલોનો વિસ્તાર કરવો, ભીડ ઓછી કરવી અને પાત્ર કેદીઓને સમયસર છોડવા એ સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જવાબદારી છે. કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં જેલ આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ રાજ્યોને 608.6 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેથી હાઈ-સિક્યોરિટી જેલોનું નિર્માણ, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી અને કેદીઓના કૌશલ્ય વિકાસ તેમજ પુનર્વસનનું કાર્ય થઈ શકે. આ સાથે કેન્દ્રએ તમામ રાજ્યોને સંયુક્ત રાષ્ટ્રના નિયમો અને મોડેલ પ્રિઝન મેન્યુઅલ-2016 નું પાલન કરવા કડક સૂચનાઓ મોકલી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular