બંગાળ ચૂંટણી: ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો, મહિલા-યુવાનોને રૂ.3000 માસિક સહાયનું વચન
કોલકાતા, 10 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટીએ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેને પાર્ટીએ ‘ભરોસા પત્ર’ નામ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોલકાતા ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં આ સંકલ્પ પત્રનું અનાવરણ કર્યું હતું. આ મેનિફેસ્ટોમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો સહિત દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, આ સંકલ્પ પત્ર બંગાળને નિરાશામાંથી બહાર લાવવાનો માર્ગ બતાવશે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપનું આ દસ્તાવેજ રાજ્યમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા, રોજગારી વધારવા અને ‘સોનાર બાંગ્લા’ના નિર્માણ માટેનો સ્પષ્ટ રોડમેપ છે.
રાજ્યની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા શાહે કહ્યું કે, “જનતાએ ડાબેરી શાસનથી કંટાળીને મમતાજીને સત્તા આપી હતી, પરંતુ તેઓ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી.” તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ટીએમસીના શાસનમાં સિન્ડિકેટ રાજ, ગુંડારાજ અને ઘૂસણખોરી જેવી સમસ્યાઓ બેફામ વધી છે.
ભાજપે તેના ભરોસા પત્રમાં ઘૂસણખોરી સામે ‘ઝીરો ટોલરન્સ’નીતિ અપનાવવાનું વચન આપ્યું છે. અમિત શાહે ખાતરી આપી હતી કે ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને દેશની બહાર કરવામાં આવશે. આ ઉપરાંત, સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને સાતમા પગાર પંચ મુજબ પગાર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ મેનિફેસ્ટો અનુસાર, દરેક મહિલા અને બેરોજગાર યુવાનોને દર મહિને રૂ. 3,000 ની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત આયુષ્માન ભારત યોજનાનો અમલ, મફત HPV રસીકરણ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ જેવી આરોગ્યલક્ષી સુવિધાઓ, તેમજ ઉત્તર બંગાળમાં એઈમ્સ, આઈઆઈટી અને આઈઆઈએમની સ્થાપના કરવાનું વચન આપ્યું છે.
સાંસ્કૃતિક વિરાસત માટે કુર્માલી અને રાજબોંગશી ભાષાઓને બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ કરવાની ખાતરી તેમજ ‘વંદે માતરમ સંગ્રહાલય’નું નિર્માણ તથા ખેતી અને ઉદ્યોગ માટે ચોખા, બટાકા અને કેરીની ખેતી માટે વિશેષ સહાય અને પશ્ચિમ બંગાળને માછલી નિકાસનું હબ બનાવવાની યોજનાનું વચન આપ્યું છે.
અમિત શાહે ઉમેર્યું કે આ મેનિફેસ્ટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત વિઝનને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે. આ પત્ર માત્ર વચનો નથી, પરંતુ બંગાળના સર્વાંગી વિકાસ માટેનો ઠોસ ખાકો છે. ભાજપે બંગાળની સાંસ્કૃતિક વિરાસતને મજબૂત કરવા અને ધાર્મિક રીતિ-રિવાજોના પાલનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે કાયદો લાવવાનો પણ સંકલ્પ કર્યો છે.
આ પણ વાંચોઃ ક્રૂડ ઓઈલમાં ફરી ભડકો: હોર્મુઝની કટોકટી અને સપ્લાય ખોરવાતા બ્રેન્ટ ક્રૂડ 97 ડોલરને પાર


