બેંગલુરુ: કાર, ટ્રક અને બાઈક વચ્ચેની ટ્રિપલ અકસ્માતમાં સાતના મોત
બેંગલુરુ, 13 ફેબ્રુઆરી 2026: કર્ણાટકના બેંગલુરુ ગ્રામીણ જિલ્લામાં શુક્રવારની વહેલી સવાર લોહિયાળ સાબિત થઈ હતી. હોસકોટે-ડાબાસ્પેટે નેશનલ હાઈવે પર એમ. સત્યવારા ગામ પાસે સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં એક એક્સયુવી કાર, ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
પ્રાથમિક અહેવાલો મુજબ, કોલારથી દેવનહલ્લી તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કારે સૌપ્રથમ તેની આગળ જતી બાઈકને ટક્કર મારી હતી. ટક્કર બાદ કાર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા કાર સામેથી આવતા કેન્ટર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કુરચેકુરચા ઉડી ગયા હતા. કારમાં સવાર તમામ 6 લોકો અને બાઈક સવારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતકોમાં 6 લોકો બેંગલુરુના કોથનૂર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આઈજીપી (સેન્ટ્રલ) લાભૂ રામે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, “અમે તમામ મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્યા છે અને 6 લોકોની ઓળખ થઈ ગઈ છે. ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.” હાઈવે પર ગાડીઓ અથડાયા બાદ ટ્રક અને બાઈક ડિવાઈડર કૂદીને બીજી તરફ પડ્યા હતા, જ્યારે ક્ષતિગ્રસ્ત કાર ટક્કરના સ્થળેથી 500 મીટર દૂર જઈને ઉભી રહી હતી. પોલીસના મતે પ્રાથમિક દ્રષ્ટિએ ‘ઓવર સ્પીડિંગ’ અકસ્માતનું મુખ્ય કારણ હોઈ શકે છે.
સ્થાનિક રહીશોએ હાઈવેના નિર્માણ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. લોકોનો આક્ષેપ છે કે સદપ્પનહલ્લીથી કમાલીપુરા પુલ સુધીના રોડની ડિઝાઈન ખામીયુક્ત છે અને તેમાં વૈજ્ઞાનિક આયોજનનો અભાવ છે, જેના કારણે અહીં વારંવાર અકસ્માતો સર્જાય છે.
આ પણ વાંચોઃ પરમાણુ ડીલ નહીં થાય તો પીડાદાયક સ્થિતિ સર્જાશે, ટ્રમ્પની ઈરાનને ચીમકી


