1. Home
  2. revoinews
  3. ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના’ પુસ્તકનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન
ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના’ પુસ્તકનું  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન

ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના’ પુસ્તકનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન

0
Social Share
  • ‘રાષ્ટ્રપ્રથમ’ જીવન જીવવાની દિશા, માત્ર રાજકીય વિચાર નહીં : મુખ્યમંત્રી
  • રાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય: ભૂપેન્દ્રભાઈ પટેલ

[અલકેશ પટેલ] અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2026ઃ My Vision of Nation First book released જાણીતા પત્રકાર, લેખક તથા કેન્દ્રીય માહિતી આયોગના પૂર્વ અધ્યક્ષ ઉદય માહુરકર દ્વારા લિખિત ‘માય આઈડિયા ઑફ નેશન ફર્સ્ટ’ના ગુજરાતી સંસ્કરણ ‘મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના’ પુસ્તકનું શનિવાર 14 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ભાજપ ગુજરાત ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. BAPS સંસ્થાના પૂજ્ય સંત પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીના દિવ્ય આશીર્વચનથી કાર્યક્રમને વિશેષ આધ્યાત્મિક ગૌરવ પ્રાપ્ત થયું.

લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, દરેક નાગરિકના હૃદયમાં પાકા પાયે રાષ્ટ્રવાદની ભાવના હોવી જોઈએ. તેમણે સરળ ઉદાહરણ આપતાં જણાવ્યું કે, જેમ ક્રિકેટમાં ટીમ માટે લાગણી અને સમર્પણ હોય છે, તેમ જ જીવનમાં પણ રાષ્ટ્ર માટેની ભાવના સહજ અને આનંદદાયક હોવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, એક સમય હતો જ્યારે દેશ માટે મરવાની વાત કરવામાં આવતી હતી, પરંતુ આજનો સમય દેશ માટે જીવવાનો છે, વિકાસ, સંસ્કૃતિ અને સમાજના કલ્યાણ માટે જીવવું એ જ સાચી દેશભક્તિ છે.

આ પણ વાંચોઃ  જીવનઝરૂખેથી..  આપણે શું છીએ, પથ્થર ફોડા કે શિલ્પી?

લેખક  ઉદય માહુરકરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ પુસ્તક બિનશરતી રાષ્ટ્રવાદની પરિભાષા સ્વરૂપ છે. તેમણે કહ્યું કે વંદે માતરમ અને જન ગણ મન – બંનેને સાથે ગાવાની સરકારની નીતિ રાષ્ટ્ર માટે સકારાત્મક સંકેત છે. જે લોકો તેનો વિરોધ કરે છે, તેમને સ્પષ્ટ સંદેશ આપવાનો સમય આવી ગયો છે કે જો આ દેશમાં રહેવું હોય તો વંદે માતરમ કહેવું જ પડશે.

તેમણે પોતાના વિચારોમાં વીર સાવરકર દ્વારા પ્રતિપાદિત રાષ્ટ્રવાદના મહત્ત્વને ઉજાગર કર્યું તેમજ ગાંધીજીની સરખામણીમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયના વિચારો રાષ્ટ્ર માટે શા માટે વધારે મહત્ત્વના હતા તેના પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્ર, સંસ્કૃતિ અને વિચારધારાના તમામ મુદ્દા પર ખુલ્લી ચર્ચા થવી જરૂરી છે. આ પુસ્તક ભારતીય રીતિ-રિવાજો અને સંસ્કૃતિને સમજાવવાનો પ્રયાસ પણ છે.

આ પ્રસંગે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આઝાદ ભારતના ઇતિહાસને યોગ્ય દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. તેમણે જણાવ્યું ઇતિહાસને દબાવવાની અને ખોટી રીતે રજૂ કરવાની ભૂતકાલમાં કોશિશો થઈ છે, જેને આ પુસ્તક ઉજાગર કરે છે. તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની રાષ્ટ્રભાવના સમજવી અત્યંત જરૂરી છે અને વ્યક્તિગત હિતને રાષ્ટ્રહિતમાં ભેળવી દેવાની ભાવના જ મજબૂત રાષ્ટ્રની આધારશિલા છે.

પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ પોતાની સંસ્કૃતિનો પ્રતિનિધિ બને – એ જ ‘રાષ્ટ્ર પ્રથમ’ની સાચી કલ્પના છે. સનાતન ધર્મના મૂલ્યો દ્વારા જ અન્ય સમાજોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર ઊભો થાય છે અને સંસ્કારસભર જીવન જીવવું એ શ્રેષ્ઠ રાષ્ટ્રસેવા છે.

આ પુસ્તકમાં આમુખ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ લખ્યું છે તથા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પ્રસ્તાવના લખી છે જેને પરિણામે પુસ્તકને વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું છે. પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ચિરાગ ઠક્કર ‘જય’ દ્વારા કરવામાં આવ્યો છે.

કાર્યક્રમમાં સાહિત્ય, મીડિયા તથા સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન માહોલ દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત રહ્યો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code