
BJPએ આઠ વર્ષમાં પાંચ રાજ્યોમાં સરકાર તોડીને સત્તા હાંસલ કરીઃ કપિલ સિબ્બલ
નવી દિલ્હી: રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે ભારતીય જનતા પાર્ટી (BJP) પર કર્ણાટક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બિનાભાજપી સરકારોને તોડી પાડવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે આ વલણને રોકવા માટે પગલાં લેવાની જવાબદારી હવે અદાલતની છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર અને અન્ય આઠ ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં જોડાવાની પૃષ્ઠભૂમિમાં જાણીતા વકીલ સિબ્બલની ટિપ્પણી સામે આવી છે. સિબ્બલે ટ્વીટ કર્યું હતું કે, “ભાજપે પદો અને અન્ય વસ્તુઓની લાલચ આપીને આ ચૂંટાયેલી સરકારોને તોડી પાડી: ઉત્તરાખંડ (2016), અરુણાચલ પ્રદેશ (2016), કર્ણાટક (2019), મધ્ય પ્રદેશ (2020), મહારાષ્ટ્ર (2022).
તેમણે વધુમાં કહ્યું કે, હવે કાયદો તેને મંજૂરી આપે છે, હવે જવાબદારી સુપ્રીમ કોર્ટની છે. રાજ્યસભાના સભ્યએ સોમવારે પણ અજિત પવાર અને અન્ય આઠ લોકોને એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં સામેલ કરવા પર ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, પહેલા ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરો અને પછી તેમને ગળે લગાવો.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અજિત પવારે રવિવારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે પક્ષના અન્ય આઠ નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં અજીત પવારએ એનસીપીમાં બળવો કર્યો હતો. તેમજ તેમના સમર્થકો સાથે એકનાથ શિંદેની સરકારમાં જોડાયાં હતા. હાલ એનસીપીના નામ અને ચૂંટણી ચિન્હને લઈને શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર વચ્ચે દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. હવે આગામી દિવસોમાં શું થાય છે તે જોવાનું રહ્યું.