Site icon Revoi.in

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની પહેલી જ ટેસ્ટમાં બુમરાહ પાસે ઇતિહાસ રચવાની તક

Social Share

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થઈ રહી છે, જેની પહેલી મેચમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે ઇતિહાસ રચવાની તક હશે. બંને દેશો વચ્ચે લીડ્સમાં પહેલી ટેસ્ટ રમાશે, જેમાં જસપ્રીત બુમરાહ પોતાની બીજી વિકેટ લેતાની સાથે જ ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર વસીમ અકરમનો રેકોર્ડ તોડી નાખશે. વસીમ અકરમે સેના (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં 146 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ (145 વિકેટ) આ બાબતમાં અકરમથી માત્ર એક ડગલું પાછળ છે. જો બુમરાહ આ શ્રેણીમાં બે વિકેટ લેશે, તો તે સેના દેશોમાં સૌથી વધુ વિકેટ લેનાર એશિયન બોલર બની જશે.

દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની પિચો ઝડપી બોલરો માટે મુશ્કેલ માનવામાં આવે છે, જ્યાં વિકેટ લેવી સરળ નથી. જસપ્રીત બુમરાહ અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં કુલ નવ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 17 ઇનિંગ્સમાં 37 વિકેટ લીધી છે. આ ઉપરાંત બુમરાહે દક્ષિણ આફ્રિકામાં 8 ટેસ્ટ રમી હતી, જેમાં તેણે 38 કેચ કર્યા હતા, જ્યારે ન્યુઝીલેન્ડમાં બે ટેસ્ટ રમીને તેણે 6 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયામાં બુમરાહના ટેસ્ટ પ્રદર્શનની વાત કરીએ તો, તેણે અહીં 12 ટેસ્ટ રમી હતી, જેમાં તેણે 64 વિકેટ લીધી છે.

જો આપણે જસપ્રીત બુમરાહની એકંદર ટેસ્ટ કારકિર્દી પર નજર કરીએ તો, આ જમણા હાથના ઝડપી બોલરે જાન્યુઆરી 2018 થી 45 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 86 ઇનિંગ્સમાં 205 વિકેટ લીધી છે. આ દરમિયાન, બુમરાહે 13 વખત એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હતી. યુવા શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાના દુષ્કાળને સમાપ્ત કરવાના ઇરાદા સાથે ઇંગ્લેન્ડમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આ પહેલા 2007માં, રાહુલ દ્રવિડની કેપ્ટનશીપ હેઠળ, ભારતે અહીં ટેસ્ટ શ્રેણી જીતી હતી. આ પછી, ભારતીય ટીમ ચાર વખત ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, પરંતુ ટેસ્ટ શ્રેણી જીતી શકી ન હતી.

Exit mobile version