એક તરફ દેશમાં કોલસાની અછત તો બીજી તરફ વીજ વપરાશ વધ્યો, ઑક્ટોબરમાં વધીને 114.37 અબજ યુનિટ નોંધાયો
- કોલસાની અછત વચ્ચે દેશમાં વીજ વપરાશ વધ્યો
- ઑક્ટોબરમાં વીજ વપરાશ 4.8 ટકા વધીને 114.37 અબજ યુનિટ નોંધાયો
- ઑક્ટોબર 2020માં વીજ વપરાશ 109.17 અબજ યુનિટ રહ્યો હતો
નવી દિલ્હી: દેશમાં અનેક સ્થળોએ એક તરફ જ્યાં કોલસાની અછત વર્તાઇ રહી છે ત્યારે બીજી તરફ દેશમાં ઑક્ટોબર માસ દરમિયાન વીજ વપરાશ 4.8 ટકા વધીને 114.37 અબજ યુનિટ નોધાયો છે. દેશમાં કોલસાની અછત વચ્ચે વીજળીનો વપરાશ સતત વધી રહ્યો છે.
ગત વર્ષના સમાન સમયગાળામાં એટલે કે ઑક્ટોબર 2020માં વીજ વપરાશ 109.17 અબજ યુનિટ અને વર્ષ 2019ના સમાન મહિનામાં 97.84 અબજ યુનિટ હતો.
પીક પાવર ડિમાન્ડ અંગે વાત કરીએ તો તે ઑક્ટોબરમાં એક દિવસમાં સૌથી વધારે સપ્લાય 174.60 ગીગાવોટ નોંધાયો છે, જે પાછલા વર્ષે સમાન મહિનામાં 169.89 ગીગાવોટ હતો. આ આંકડાઓએ એ બાબત ફલિત થાય છે કે દેશમાં વીજ વપરાશ તેમજ માંગમાં રિકવરી આવી છે. જાણકારો અનુસાર, રાજ્યો દ્વારા લોકડાઉન પ્રતિબંધો હટાવ્યા બાદ વીજ મથકોમાં કોલસાનો પુરવઠો વધારવાના સરકારના પ્રયાસો અને આર્થિક પ્રવૃત્તિઓમાં વૃદ્વિને કારણે વીજ માંગ અને વીજ વપરાશમાં ઝડપી વધારો થશે.
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા મોનિટર કરાતા 165 ગીગાવોટથી વધુ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા 135 પાવર પ્લાન્ટમાં 29 ઓક્ટોબરના રોજ 79.6 લાખ ટનની સરખામણીમાં છ દિવસ માટે પૂરતો 100.8 લાખ ટનનો કોલસો હતો.