Site icon Revoi.in

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો, ડાંગના વધઈમાં 13 ઈંચ

Social Share

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Rain in 134 talukas today; 13 inches in Vadhai. ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ડાંગના વધઈમાં 13 ઈંચ, નવસારીના ચીખલીમાં 9 ઈંચ, વાસદામાં 8 ઈંચ, સુરતના અંબિકામાં 11 ઈંચ, વલસાડમાં 7 ઈંચથી વધુ, ડોલવાણમાં 7 ઈંચ, ગણદેવીમાં પણ 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ખેરગામ, ગીરસોમનાથના પાટણ-વેરાવળ, કેશોદ સૂત્રાપાડા સહિત કૂલ 134 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા હોવાથી અને અસહ્ય ઉકળાટને કારણે સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે એવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 13 ઇંચ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાય હતી. મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તરમાં પણ વધારો છે. રાજકોટના ઉપલેટાના વેણુ-2 ડેમના બે દરવાજા 0.3 મીટર ખોલવામાં આવતા આસપાસના ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ હતી. તો જામજોધપુરના ઉમીયાસાગર ડેમના પાંચ દરવાજા 1.5 મીટર સુધી ખોલી નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ હતી.

ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ કેટલાક વિસ્તારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે રાજ્યના કુલ 48 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. જેમાં નેશનલ હાઈવે (જામનગર) અને 4 સ્ટેટ હાઈવે સહિત કુલ 12 હાઈવે બંધ છે, જ્યારે પંચાયત હસ્તકના 36 માર્ગો બંધ થતાં ગ્રામીણ જનજીવનને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડમાં ભારે વરસાદના કારણે 14 માર્ગ બંધ થયા છે, તેવી જ રીતે નવસારીમાં 10 માર્ગ બંધ, જૂનાગઢમાં 8 માર્ગ બંધ. સુરત, જામનગર, અમરેલીમાં દરેક જિલ્લામાં 1-1 રસ્તો બંધ થયા છે. આ સિવાય 7 અન્ય માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે.

કડી શહેરમાં ગત રાત્રે 2 વાગ્યાના સુમારે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે માત્ર બે જ કલાકના આશરે 8 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જળબંબોળ થઈ ગયો છે. 25થી વધુ સોસાયટીઓના ઘરોમાં ઘૂંટણસમાથી લઈને કમર સુધીના પૂરના પાણી ઘૂસી ગયા હતા, જેના લીધે અડધી રાત્રે સ્થાનિકો સામાન બચાવવામાં લાગ્યા હતાં.

નવસારી જિલ્લાના વાંસદા ટાઉનના નીચાણવાળા વિસ્તાર એવા ગાંધીનગર ફળિયામાં કમર સમાં પાણી ભરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે 30થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે. વરસાદી આફત વચ્ચે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થતાં સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતીના ભાગરૂપે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

Exit mobile version