Site icon Revoi.in

ભરૂચના નેશનલ હાઈવે પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસુલાતા કરાયો ચક્કાજામ

Social Share

ભરૂચઃ શહેર નજીક નેશનલ હાઈવે પર મુલડ ટોલપ્લાઝા પર સ્થાનિકવાહનોને ટોલમુક્તિ આપવામાં આવી હોવા છતાંયે ટોલ ટેક્સ વસુલાતો હોવાને મામલે સ્થાનિક વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોએ ચક્કા જામ કર્યો હતો. જેના લીધે વાહનોની લાઈનો લાગી હતી. દરમિયાન હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને આ અંગે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

શહેરમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા મૂલડ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસુલવા આવતો હોવાની ફરિયાદ બાદ પણ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનિક ટ્રાંસપોર્ટવાળાઓએ આક્રમક વલણ બતાવતાં હાઇવે પર જામ કર્યો હતો. જેના લીધે વાહનોની લાંબી લાઇનો લાગી હતી.  ભરૂચમાં નર્મદા નદી પર જ્યારે ટોલ વસૂલવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ ફાસ્ટટેગ સિસ્ટમ લાગુ થયા બાદ ભરૂચના સ્થાનિક વાહનોના ટોલ ઓટોમેટિક કપાઇ જતા હતા. જેથી ભરૂચના સ્થાનિક વાહનો માટે અલગથી લેન તૈયાર કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં આ લેનમાં પણ ફાસ્ટટેગ સિસ્ટમ એક્ટિવ કરી દેવામાં આવતાં ફરીથી સ્થાનિક વાહનોનો ટોલ કપાવવા લાગ્યો હતો. જેથી સ્થાનિક વાહન ચાલકોએ હોબાળો મચાવતાં ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ટોલ ટેક્સનો પ્રશ્ન ઉકેલાયો ન હતો.

ભરૂચ જિલ્લાની અલગ-અલગ કંપનીઓમાં કામ કરતા મજૂરો અને કામદારોના લઇ જવા લાવવા માટે ઉપયોગમાં લેવાતી લક્ઝરી બસો પાસેથી ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી બુધવારે સ્થાનિક ટ્રાંસપોર્ટ સંચાલકો પોતાની લકઝરી મુલડ ટોલ પ્લાઝા પર ખડકી દીધી હતી. જેના લીધે વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. વિરોધ અને ટ્રાફીક જામની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવા માટે મથામણ કરી હતી. (file photo)

Exit mobile version