Site icon Revoi.in

ભાવનગરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બાળકોની સ્કેટીંગ રેલી યોજાઈ

Social Share

ભાવનગર, 5 જુન, 2026 :   આજે 5 જૂન, ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે શહેરના ડાયવેન્જર સ્કેટીંગ ગ્રુપ દ્વારા પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે શહેરના તખ્તેશ્વર મહાદેવ મંદિરથી લઈને નિષ્કલંક મહાદેવ, કોળિયાક સુધી સ્કેટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના મેયર ઉષાબેન તલરેજાએ બાળકોની સ્કેટીંગ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં 3 વર્ષના નાના ભૂલકાઓથી લઈને 20 વર્ષ સુધીના 20થી વધુ બાળકો અને યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ રેલીના મુખ્ય આયોજક અમિત મકવાણાએ જણાવ્યું હતું કે, આજે 5 જૂન, ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે લોકોમાં જાગૃતિ આણવાના ઉદ્શ્યથી સ્કેટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ખાસ કરીને ધાર્મિક ઉત્સવો કે પૂજા-અર્ચના બાદ લોકો પૂજા સામગ્રી અને નદી, તળાવ કે સમુદ્રમાં પધરાવી દે છે, જે જળ પ્રદૂષણનું મોટું કારણ બને છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે જળ સ્ત્રોતોને શુદ્ધ રાખવા માટે આ પ્રથા બંધ કરવી જોઈએ.

સ્કેટીંગ રેલીમાં 3 વર્ષના નાના ભૂલકાઓથી લઈને 20 વર્ષ સુધીના 20થી વધુ બાળકો અને યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તખ્તેશ્વર મહાદેવ મંદિરથી કોળીયાક દરિયાકિનારે 25 કિલોમીટરનું અંતર કાપી સ્કેટીંગ દ્વારા બાળકોએ પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, રેલી નિષ્કલંક મહાદેવ પહોંચ્યા બાદ, ગ્રુપના સભ્યો દ્વારા દરિયા કિનારાની સફાઈ કરી પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

​આ પ્રસંગે ગ્રુપના સભ્ય શ્રુતિ અર્જુનભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમે પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર વાતોથી નહીં, પણ નક્કર કાર્ય કરીને કરી રહ્યા છીએ. સ્કેટીંગ દ્વારા અમે આ સંદેશને લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે પૃથ્વી અને જળનું જતન કરવું એ દરેકની જવાબદારી છે.

Exit mobile version